સીટી બી ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીને અંજામ આપી હાહાકાર મચાવનાર મધ્યપ્રદેશના તસ્કરને દબોચ્યો મોરબી : મોરબીના સિરામીક પ્લાઝા અને શક્તિ ચેમ્બર કોમર્શિયલ બિલ્ડિંગમાં એક સાથે 50થી 60 જેટલી દુકાનોના શટર ઉંચકી સામુહિક ચોરીને અંજામ આપનાર મધ્યપ્રદેશના તસ્કરને સીટી બી ડિવિઝન પોલીસ અને જીઆરડી જવાન દ્વારા ગણતરીના દિવસોમાં જ દબોચી લઈ મોરબીની કાયદો વ્યવસ્થાને પડકારનાર શખ્સને કાયદાના પાઠ ભણાવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આવેલ સિરામિક પ્લાઝા 1 અને 2માં 50 જેટલી ઓફિસો - દુકાનો અને બાદમાં શક્તિ ચેમ્બરમાં આવેલી 20થી વધુ ઓફિસો અને દુકાનોને નિશાન બનાવી તસ્કર દ્વારા ચોરી કરી મોરબી પોલીસને પડકાર ફેકતા ઉચ્ચકક્ષાએથી તપાસના આદેશો છૂટ્યા હતા. બીજી તરફ સીટી બી ડિવિઝન પીઆઇ દેકાવડિયા અને તેમની ટિમ દ્વારા પડકારજનક ચોરીના આ બન્ને બનાવમાં હ્યુમન સોર્સીસ અને ટેક્નિકલ ટીમને કામે લગાડી હતી. દરમિયાન ગતરાત્રીના મોરબી સીટી બી ડિવિઝન પીઆઇની આગેવાનીમાં પેટ્રોલિંગમાં રહેલ પોલીસ સ્ટાફના વિજયભાઈ ચાવડા, યોગેશભાઈ ગઢવી, ભગવાનજીભાઈ તેમજ જીઆરડી જવાન નિખિલ ઠક્કરને સચોટ બાતમી મળી હતી કે, આ ચોરીને અંજામ આપનાર શખ્સ મધ્યપ્રદેશનો રહેવાસી અમિત શેરસિંહ રાવત છે જે રખડતી ભટકતી હાલતમાં મળી આવતા પોલીસ ટીમે તેને દબોચી લીધો હતો. આ મામલે સીટી બી ડિવિઝન પીઆઇ દેકેવાડીયાએ જણાવ્યું હતું કે, આરોપી અમિત શેરસિંહ રાવત મધ્યપ્રદેશના સાગર જિલ્લાનો રહેવાસી છે, એક વર્ષ અગાઉ આરોપી અમિત શેરસિંહ રાવત મોરબીમાં અલગ અલગ જગ્યાએ મજૂરી કામ કરતો હતો અને તાજેતરમાં જ ફરી મોરબી આવ્યો હતો અને રખડતું ભટકતું જીવન ગાળી આ બન્ને ચોરીને અંજામ આપ્યો હોવાનું તેમને ઉમેરી મુખ્યત્વે આ શખ્સ એક તાળું માર્યું હોય તેવા શટરને ઉંચકાવી બાદમાં શટર નીચે પથ્થર ભરાવી દુકાનમાં ઘુસી ચોરીને અંજામ આપતો હોવાનું જણાવ્યું હતું.