હળવદ પોલીસ મથકમાં મહિલાના મૃત્યુ અંગે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ હળવદ : હળવદ શહેર નજીક ટેન્કર અથડાતા દીવાલ ધસી પડવાથી મહિલાનું મૃત્યુ થવાના કિસ્સામાં ટેન્કર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે. આ ઘટનામાં ટેન્કરનો સેલ્ફ લાગતો ન હોય ડ્રાઇવરે નીચે ઉતરી સેલ્ફ ઉપર પાનું ફટકારતા ટેન્કર ચાલુ થઈ ગયું હતું અને રિવર્સમાં ભાગી દીવાલ સાથે અથડાતા દીવાલ પાછળ સુતેલ મહિલાનું કાટમાળ પડતા મૃત્યુ થયું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગુરુવારે રાત્રીના હળવદ શહેર નજીક નવા ધનાળા પાસે ગોડાઉનની દીવાલમાં રિવર્સમાં આવેલું ટેન્કર ઘુસી જતા નિદ્રાધીન શ્રમિક મહિલા નેતાબેન જોગાભાઈ ભુરિયાનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ભાવસનભાઈ કટારાએ હળવદ પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર જીજે - 12 - AY - 3386 નંબરના ટેન્કર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે. વધુમાં જાણવા મળ્યા મુજબ ટેન્કર ચાલકથી ટેન્કર ચાલુ ન થતા ટેન્કરની નીચે ઉતરી સેલ્ફમાં પાનું મારતા ટેન્કર અચાનક જ ચાલુ થઈ રિવર્સમાં ભાગતા દીવાલ સાથે આથડાવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.