સીરામિક ઉદ્યોગને આડકતરો ફાયદો : શહેરી વિકાસ માટે નાણાંમંત્રીએ 19,685 કરોડ રૂપિયા ફાળવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 1 લાખથી વધુ લોકોને આવાસ પૂરા પાડવા 1066 કરોડની જોગવાઈ મોરબી : રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે નાણાકીય વર્ષ 2023 -24નું બજેટ રજૂ કર્યું હતું. ગુજરાતના બજેટનું કદ પહેલીવાર 3 લાખ કરોડ રૂપિયાને પાર થયું. સૌથી વધુ શિક્ષણ વિભાગ માટે રુ. 43,651 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા, RTE હેઠળ ભણેલા પ્રતિભાશાળી સ્ટૂડન્ટ્સને ધોરણ 8 બાદ સરકાર 20 હજારનું વાઉચર આપશે. આગામી વર્ષના બજેટમાં શહેરી વિકાસ માટે નાણાંમંત્રીએ 19,685 કરોડ રૂપિયા ફાળવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 1 લાખથી વધુ લોકોને આવાસ પૂરા પાડવા 1066 કરોડની જોગવાઈ કરાઈ. અમદાવાદ અને સુરતમાં મેટ્રો માટે 905 કરોડ ફાળવવામાં આવ્યા. સરકારના આ બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને આડકતરો ફાયદો થશે. આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 2023-24નું બજેટ રજૂ કર્યું હતું, બજેટમાં નવો કોઈ ટેક્સ નથી નાખવામાં આવ્યો તેમજ જૂના ટેક્સ દરોમાં કોઈ વધારો પણ નથી કરાયો. 3.01 લાખ કરોડ રૂપિયાના બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન, હેલ્થ તેમજ ગ્રીન ગ્રોથ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આગામી પાંચ વર્ષમાં માનવ સંસાધનનો વિકાસ કરવા, રાજ્યમાં અન્ય સવલતો ઉભી કરવા સહિતના વિઝનનો પણ આ બજેટમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મધ્યમ તેમજ ગરીબ વર્ગને મોટી રાહત આપતા નાણાંમંત્રીએ પોતાની બજેટ સ્પીચમાં મા કાર્ડ પર નિ:શુલ્ક મળતી સારવારની મર્યાદા પાંચ લાખથી વધારીને 10 લાખ કરવાની જાહેરાત કરી હતી. 2023-24માં સરકારની મહેસૂલી આવક 2,07,709 કરોડ રૂપિયા રહેશે તેવો અંદાજ સરકારે વ્યક્ત કર્યો છે, જેની સામે મહેસૂલી ખર્ચ 1,98,671 કરોડ રૂપિયા રહેશે. આમ, આગામી વર્ષનું બજેટ મહેસૂલી હિસાબ પર 9,038 કરોડની પૂરાંત ધરાવતું હશે. લોન અને પેશગી સહિતનો મૂડી ખર્ચ 97,902 કરોડ રૂપિયા રહેશે, જ્યારે મૂડી હિસાબ પરની ખાધ 12,271 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે.2023-24ના બજેટમાં શિક્ષણ વિભાગને 43,651 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેના હેઠળ મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે રૂ. 3109 કરોડની જોગવાઇ કરાઈ છે. જ્યારે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ 64 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ 1 થી 8 માં RTE યોજના હેઠળ અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 8 પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે 20 હજારનું શાળા વાઉચર આપી સહાય કરવા 50 કરોડની જોગવાઈ આ બજેટમાં કરાઈ છે. નાણાંમંત્રીએ આગામી વર્ષના બજેટમાં જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણની સેવાઓ માટે રુ. 9263 કરોડ ફાળવ્યા છે. જ્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મફત તબીબી સારવાર આપવા 1600 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં આરોગ્યની સેવાઓ વધારે સુદ્રઢ કરવા રુ. 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવજાત શિશુઓને જરૂરી તમામ આરોગ્ય વિષયક સેવાઓ આપવા માટે કાર્યરત SNCUની સંખ્યામાં 50નો વધારો કરવામાં આવશે, જે માટે 24 કરોડની જોગવાઇ કરાઈ છે. 50 અંતરિયાળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાઓ અને બાળકોના નિષ્ણાંત ડોકટરની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે 12 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.