સીટી એ ડિવિઝન પોલીસે ફલોરમીલમાંથી શંકાસ્પદ જથ્થો કબ્જે કરી પુરવઠા વિભાગને સોંપ્યો : તપાસ શરૂ મોરબી : મોરબી શહેરમાં પેધી ગયેલા સસ્તા અનાજના વિક્રેતાઓ ખુલ્લે આમ ગરીબોના હિસ્સાના અનાજ- ચોખા ખાંડ સહિતની ચીજોની કાળાબજારી કરી ધૂમ કમાણી કરી રહ્યા છે ત્યારે સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે દરોડો પાડી ગોકુલનગરમાંથી રૂપિયા 1.32 લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો કબ્જે કરી પુરવઠા વિભાગને સોંપી આપતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. મોરબી સીટી મામલતદાર એચ.એમ.સંચાલાના જણાવ્યા મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગોકુલનગરમાં ગીતા ફ્લોરમિલમાથી શંકાસ્પદ ગણાતા ઘઉં અને ચોખાના કુલ મળી 210 કટ્ટા કબ્જે કરી પુરવઠા વિભાગને જાણ કરી ઘઉં, ચોખાનો જથ્થો તેમજ એક બોલેરો ગાડી મળી કુલ કિંમત રૂપિયા 3,42,160નો મુદામાલ સોંપી આપતા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું. દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે, ગોકુલનગરમાં ગીતા ફ્લોરમિલના સંચાલક રણજીત અરજણ વિકાણીએ સરકારી અનાજનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીને આધારે કાર્યવાહી કરી બોલેરો ગાડી અને ઘઉં અને ચોખાનો જથ્થો મળી કુલ રૂપિયા 3.42 લાખનો જથ્થો 41 (1) દુ મુજબ કબ્જે કરી સીટી મામલતદારને સોંપી આપ્યો હોવાનું જણાવ્યું હતું