મોરબી - વાંકાનેર હાઇવે ઉપર સિરામીક પ્લાઝા-1 અને 2માં શટરતોડ ગેંગનો તરખાટ : રૂ.200,500થી લઈ 5000 સુધીની રોકડ ગઈ મોરબી : મોરબીમાં ગઈકાલે રાત્રે પોલીસને બદલે તસ્કરો નાઈટ કોમ્બિંગમાં નીકળ્યા હોય તેવા ઘાટ વચ્ચે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર સિરામીક પ્લાઝા-1 અને 2માં તસ્કરોએ એક સાથે 50થી 55 દુકાનો - ઓફિસોના તાળા તોડી સિરામીક ટ્રેડર્સના ધંધાકીય સ્થળને નિશાન બનાવતા સનસનાટી મચી જવા પામી છે, જો કે, સામુહિક ચોરીના આ બનાવમાં હજુ સુધી પોલીસ ફરિયાદ નથી નોંધાઈ પરંતુ પોલીસને જાણ કરાતા પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી - વાંકાનેર હાઇવે ઉપર આવેલ સિરામીક પ્લાઝા -1 તેમજ સિરામીક પ્લાઝા -2 નામના કોમર્શિયલ બિલ્ડિંગમાં ગતરાત્રીના તસ્કરો ત્રાટકીયા હતા અને એક સાથે 50થી 55 જેટલી દુકાનો અને ઓફિસોના શટર તેમજ એલ્યુમિનિયમ સેક્સનના દરવાજા તોડી ચોરીને અંજામ આપ્યો હોવાનું સીરામીક ટ્રેડર્સ સચીનભાઈ ગોરીયાએ મોરબી અપડેટને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સિરામીક પ્લાઝા બિલ્ડિંગમાં મોટાભાગના સિરામીક ટ્રેડિંગના ધંધાર્થીઓ વ્યવસાય કરી રહ્યા છે ત્યારે ઓફિસ - દુકાનમાં મોટી રોકડ રકમ ન હોય રૂપિયા 200, 500થી લઈ 5000 જેટલી રોકડ રકમ ચોરાઈ હોવાનું સ્થાનિક સીરામીક ટ્રેડર્સ જણાવી રહ્યા છે, આટલી મોટી સંખ્યામાં ઓફિસો અને દુકાનો તૂટવા અંગે સ્થાનિક પોલીસને જાણ થતા ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવા પોલીસ દોડી આવી હોવાનું પણ વેપારીઓએ જણાવ્યું હતું.