મિતાણા - નેકનામ હાઇવે તેમજ જિલ્લાભરમાં આવા ટ્રક ડમ્પર ચાલકો વિરુદ્ધ પગલાં ભરવા જિલ્લા પોલીસવડા આરટીઓને રિપોર્ટ કરાયો રેતીનો વજન વધારવા માટે પુષ્કળ પાણી છાંટી ટ્રક - ડમ્પર બેફામ સ્પીડે દોડવતા હોય અકસ્માતનું પણ જોખમ મોરબી : મોરબી જિલ્લાના રેતમાફિયાઓ બેફામ બની હળવદ અને વાંકાનેર પંથકમાં રેતીચોરી કરી વજન વધારવા માટે રેતી ભરેલા વાહનમાં પાણી ભરતા હોવાથી ડામર રોડ ઉપર સતત વાહનમાંથી પાણી ઢોળાતા નવા નક્કોર ડામર રોડની પથારી ફરી જતા આ મામલે મોડે મોડેથી પણ માર્ગ અને મકાન વિભાગ જાગ્યો છે અને જિલ્લા પોલીસ વડા તેમજ આરટીઓને ધગધગતો રિપોર્ટ કરી આવા ટ્રક ડમ્પર ચાલકો સામે આકરી કાર્યવાહી કરવા માંગ કરી છે. મોરબી માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર હિતેશભાઈ આદ્રોજાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના હાઇવે ઉપર રેતી ભરીને નીકળતા ડમ્પર અને ટ્રકમાં પુષ્કળ પાણી ભરીને નીકળતા હોય આ પાણી હાઇવે ઉપર ઢોળાતા ડામર ઉપર પાણી પડતા રોડને નુકશાન પહોંચી રહ્યું છે. વધુમાં કાર્યપાલક ઈજનેર આદ્રોજાએ ઉમેર્યું હતું કે હાલમાં મિતાણા નેકનામ રોડ ઉપરથી જ દરરોજ અંદાજે 100 જેટલા તોતિંગ ડમ્પર ટ્રક ઓવરલોડ વજનની સાથે પાણીથી લથબથ રેતી ભરીને પસાર થતા હોય તાજેતરમાં જ બનાવેલ નવા રસ્તાને ભારે માત્રામાં નુકશાન થયું છે. આ ગંભીર બાબતે તેમને જિલ્લા પોલીસવડા, સંબંધિત પોલીસ સ્ટેશન તેમજ આરટીઓ મોરબીને પણ રીપોર્ટ કરી ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું હોવાનું કહ્યું હતું. નોંધનીય છે કે, હળવદ અને વાંકાનેર પંથકમાં રેતી ચોરી કરી રેત માફિયાઓ વજન વધારવા માટે પાણીથી આખો ટ્રક ભરીને હાઇવે ઉપર પસાર થતા હોય પાછળ આવતા વાહનોને પણ હાઇવે ઉપર વાહન ચલાવવા મુશ્કેલ બને છે ત્યારે માર્ગ અને મકાન વિભાગે પોલીસ અને આરટીઓને પગલાં ભરવા રિપોર્ટ કરતા હવે પોલીસ આરટીઓ કેવા પગલાં ભરે છે તે આવનાર સમય બતાવશે.