97.24 લાખની પુરાંત સાથેનું મોરબી જિલ્લા પંચાયતનું બજેટ મંજુર વિપક્ષી નેતાઓએ કોઈ કામો ન થતા હોબાળો મચાવ્યો : વિરોધ પક્ષને એકપણ પ્રશ્ન ઉઠાવવો ન પડે તે રીતે અધિકારીને કામો કરવા ધારાસભ્ય અમૃતિયાની તાકીદ મોરબી : મોરબી જિલ્લા પંચાયતના બજેટ માટે આજે ખાસ સાધારણ સભા યોજાઈ હતી. જેમાં 97.24 લાખની પુરાંત સાથેનું કુલ રૂ.53,512, 88 લાખનું 2023-24નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં સ્વભંડોળની ઉઘડતી સિલક રૂ. 923.89 લાખ, વર્ષ 2023-24ની 922.75 લાખ મળી કુલ રૂ.1846.64 લાખની આવક થશે. અંદાજપત્રમાં કરેલી જોગવાઈ મુજબ રૂ.1749.40 લાખ ખર્ચને લક્ષમાં લેતા બંધ સિલક રૂ.97.24 દર્શાવી છે.જો કે આશ્ચર્ય જનક અને ચોંકાવનારી બાબત એ હતી કે, આખા જિલ્લાના આરોગ્ય વિભાગ માટે કરોડોના બજેટમાં માત્ર 60 હજારની જ જોગવાઈ કરવામાં આવી છે. આજે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રજૂ થયેલા વર્ષ 2023 - 24ના અંદાજપત્રમાં સૌથી ઓછી આરોગ્ય ક્ષેત્રે માત્ર 60 હજાર રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં આરોગ્ય અધિકારી પાસેથી બજેટમાં એજન્ડા સહિતની વિગતો આપવાનું કહેવા છતાં આ વિગત ન આવતા ઓછી જોગવાઈ કરાઈ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે જિલ્લા પંચાયતના સ્વંભંડોળમાંથી સામાન્ય વહીવટ ક્ષેત્રે રૂ. 101.99 લાખ, પંચાયત અને વિકાસ માટે રૂ.813.33 લાખ, શિક્ષણ ક્ષેત્રે રૂ.76.91 લાખ, ખેતીવાડી ક્ષેત્રે રૂ. 16.10 લાખ, પશુપાલન ક્ષેત્રે રૂ.5.00 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ.70 લાખ, આંકડા શાખા માટે રૂ.1.30 લાખ, કુદરતી અફતો માટે રૂ.310 લાખ, સિંચાઈ ક્ષેત્રે 78.75 લાખ, બાંધકામ ક્ષેત્રે રૂ.265.01 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની સાધારણ સભામાં વિપક્ષના નેતા ભુપેન્દ્ર ગોધાણીએ કિશાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે પણ વીજળી આપવાની રજુઆત કરી હતી અને કિશાન સૂર્યોદય યોજના હાલ બંધ થઈ હોય ખેડૂતો માટે ચાલુ કરવા અને કોઈ કામ ન થતા હોવાનું જણાવીને વિરોધ પ્રદર્શન કરત થોડીવાર માટે ગરમાં ગરમી થઈ પડી હતી. આથી આ બજેટ બેઠક માત્ર 20 મિનિટમાં જ પુરી થઈ ગઈ હતી. વિપક્ષના ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ હોવા છતાં 2 વર્ષથી કોઈ કામ ન થતા હોવાના અને માત્ર વાતોના વડા જ થતા હોવાના હોબાળાને પગલે આ બજેટમાં ઉપસ્થિત રહેલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ડીડીઓને તાકીદ કરી હતી કે પ્રજાના પ્રશ્નો અટકે અહીં તેવું અધિકારીઓએ આયોજન કરવું જોઈએ અને વિરોધ પક્ષને કોઇ પ્રશ્ન ન રહે તેવી કામગીરી કરવા તેમજ પંચાયતમાં સારું કામ કરાવો અને 6 મહિનાથી ટેન્ડર પ્રક્રિયા ન થઈ હોવાથી જુના ભાવથી કામ ચાલતા હોય યોગ્ય આયોજન કરવાની સૂચના આપી હતી.