મોરબી: મોરબીના કડીવાર બંધુઓ વિપુલ કડીવાર અને સાગર કડીવાર દ્વારા મહાશિવરાત્રીના દિવસે નાના જીવાનો ભંડારો કરવામાં આવ્યો હતો. મહાશિવરાત્રીની અનોખી ઉજવણી નિમિત્તે કડીવાર બંધુઓ દ્વારા શિવલિંગની રંગોળી બનાવી કીડીયારું પૂરવામાં આવ્યું હતું. 51 નાળિયેરમાં કીડિયારુ ભરીને 51 અલગ-અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો કરીને તેને દાટી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાવળ અને બોરડીના ઝુંડમાં પણ કીડીયારુ મૂકવામાં આવ્યું હતું. આ કીડીયારુથી 51,000 થી વધુ જેટલા નાના જીવોને ખોરાક મળી રહેશે. ત્યારે આમ મહાશિવરાત્રીના દિવસે કડીવાર બંધુઓએ અનોખી ઉજવણી કરી હતી અને વૃક્ષ વાવી પર્યાવરણ બચાવવાનો સંદેશો પણ આપ્યો હતો.