માયાની ધરપકડ, કારખાનેથી માયા સગીરાને ફોસલાવી પચીસ વારીયામાં લઈ ગઈ હતી પરંતુ સગીરા મક્કમ રહેતા બચી ગઈ મોરબી : મોરબીમાં ગઈકાલે લેબર કોન્ટ્રાક્ટરનું માયા નામની યુવતી અને બે શખ્સોએ અપહરણ કર્યાની ઘટનામાં નવો ધડાકો થયો છે, આ ચકચારી બનાવમાં માયા પોલીસના હાથે ઝડપાઇ ગયા બાદ ચોંકાવનારી કબૂલાત આપી હતી કે, અપહરણકર્તા બે શખ્સનો સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવાનો ઈરાદો હતો પરંતુ સંજોગો એવા સર્જાતા અને સગીરા મક્કમ રહેતા બચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી લાતીપ્લોટમા પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતી સગીરાને કપડા ખરીદવાને બહાને વવાણીયાની માયા લલચાવી ફોસલાવી બારોબાર લઈ ગયા બાદ સગીરાની માતાએ લેબર કોન્ટ્રાક્ટરને સમગ્ર બનાવની જાણ કરી તાત્કાલિક તેમની પુત્રીને કારખાને પરત લાવવા કહેતા સગીરાને લેવા ગયેલા લેબર કોન્ટ્રાકટર હિતેશભાઈ રામાવતનું વવાણીયાની માયા તેમજ રફીક અને સલીમ નામના ત્રણેય શખ્સોએ મળી મારકુટ કરી સ્કોર્પિયો કારમાં અપહરણ કર્યું હતું. જો કે, હંગામો મચી જતા અપહરણ કરનારા શખ્સોએ હિતેશભાઈ રામાવતને મુકત કરી નાસી ગયા હતા. બીજી તરફ પોલીસે ગણતરીની કલાકમાં જ સગીરાને લઈ જનાર અને અપહરણમાં ભૂમિકા ભજવનાર માયાને ઝડપી લઈ પૂછપરછ કરતા માયાએ ચોંકાવનારી કબૂલાત આપી હતી કે સલીમ અને રફીક સગીરાને લઈ બાયપાસ નજીક આવેલ પચીસ વારીયામાં બદકામ કરવાને ઇરાદે લઈ ગયા હતા પરંતુ સગીરાએ મચક ન આપતા દુષ્કર્મનો ઈરાદો નિષ્ફળ નીવડ્યો હતો.