મોરબીઃ ગઈકાલે તારીખ 17 ફેબ્રુઆરીના રોજ આચાર્ય આર્ય નરેશજીના માર્ગદર્શનનો લાભ મોરબીની યોગ અને સનાતનધર્મ પ્રેમી જનતાને મળ્યો હતો. સનાતન ધર્મના પ્રખર વક્તા આચાર્ય આર્ય નરેશજી, મૂળ હિમાચલ પ્રદેશથી હાલ મોરબી આવ્યા છે. ગઈકાલે મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યા પર યોગમય મોરબી ગ્રુપના સભ્યોને મોરબીના કેનાલ રોડ પરના ભક્તિ યોગ કેન્દ્ર, મયુર પાર્ક ખાતે આચાર્ય નરેશજીના તેજસ્વી, પ્રેરણાદાયી અને માહિતીસભર પ્રવચન અને દર્શનનો લાભ મળ્યો હતો. ભજનથી શરૂ થયેલા કાર્યક્રમમાં, બાળકો, બહેનો અને ભાઈઓને ગાયત્રી મંત્રના સ્પષ્ટ અને સાચા ઉચ્ચારો અંગે સમજ અને સનાતનધર્મ, વેદ વિશે અત્યંત મૂળભૂત જાણકારી, સ્પષ્ટ અને બધાને યાદ રહી જાય તે શૈલીમાં આચાર્યજી દ્વારા સમજાવવામાં આવી હતી. અથાક પ્રયત્નો દ્વારા સતત પ્રવચનનો લાભ આપી, લોકજાગૃતિ અને લોકશિક્ષા કાર્યમાં અવિરત જોડાયેલા આચાર્ય આર્ય નરેશજીને 'યોગમય જીવન શૈલી' પુસ્તક અર્પી વાલજીભાઈ ડાભી (મોરબી-જિલ્લા કોર્ડીનેટર, ગુજરાત રાજ્ય યોગબોર્ડ) દ્વારા અભિવાદન અને આભાર વિધિ કરાઈ હતી.