રફાળેશ્વર મંદિરે બાવન ગજની ધજા ચડાવ્યા બાદ ભગવાન શિવના દર્શનની સાથે લોકોએ મેળાની મોજ માણી મોરબી : મોરબીના રફાળેશ્વર મંદિરે આજે મહાશિવરાત્રીનો મેળો ભરાયો હતો.રફાળેશ્વર મંદિરે બાવન ગજની ધજા ચડાવ્યા બાદ ભગવાન શિવના દર્શનની સાથે લોકોએ મેળાની મોજ માણી હતી. મોરબી નજીક આવેલ પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ જામ્બુડિયા ગ્રામ પંચાયત દ્વારા બમ બમ ભોલેના નાદ સાથે પવિત્ર મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રફાળેશ્વર મંદિરે ગઈકાલે શુકવારે સાંજે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો હતો. અને આજે મહાશિવરાત્રીએ રફાળેશ્વર મંદિરે ચિક્કાર મેદની સાથે પોરોણીક મેળો ભરાયો હતો. જ્યારે રફાળેશ્વર મંદિરે મેળાની શરૂઆત થયા બાદ રાતભર 25થી વધુ ભજનની રાવટીઓ ધમધમી ઉઠી હતી. સાથે-સાથે લોકોએ ઠેરઠેર ભોજન, સંતવાણી અને મેળો એમ લોકો ત્રિવેણી સંગમનો આનંદ માણ્યો હતો. આજે મહાશિવરાત્રીએ રફાળેશ્વર મંદિરે ખોડાભાઈ પાંચિયા દ્વારા બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી. આ ઉપરાંત ધર્મશાળા પાછળ આવેલ મહાદેવના મંદિરનો જીણોદ્ધાર પણ કરાયો હતો. રફાળેશ્વર મંદિરે દોઢ દિવસ સુધી લોકો મહાશિવરાત્રીનો મેળો માણ્યો હતો. તેમજ ભાંગનો પ્રસાદ લઈ ભગવાન ભોળાનાથના દર્શનનો લહાવો લઈને મેળાની મોજ માણી હતી.