જામનગરના ચાર શખ્સોએ 7 લાખના 28 લાખ રૂપિયા માંગી અપહરણ કરી સિગારેટના ડામ આપી છરી ઝીકી મોરબી : બેરોકટોક પણે ચાલતા ઓનલાઈન જુગારના દુષણને કારણે અનેક પરિવારોના માળા પીખાઈ રહ્યા છે ત્યારે આવા જ એક ચોંકાવનારા બનાવમાં મોરબીનો યુવાન ઓનલાઈન તીનપતિ રમવામાં રૂપિયા 7 લાખ હારી જતા જામનગરના ચાર શખ્સોએ 7 લાખના 28 લાખ માંગી યુવાનનું અપહરણ કરી ગોંધી રાખી સિગારેટના ડામ દઈ છરી ઝીકતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મૂળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામના વતની અને હાલમાં પરિવાર સાથે મોરબી રહી સીરામીક ફેકટરીમાં કામ કરતા હિરલભાઈ રમેશભાઈ કાનાણીનું તા.12 ફેબ્રુઆરીના રોજ જામનગરના મહિપાલસિંહ રાણા, જયપાલસિંહ ચુડાસમા, અર્જુન પ્રજાપતિ અને નંદો નામના શખ્સોએ તેમના ઘર રવાપર રોડ સંસ્કાર હિલમાંથી અપહરણ કરી જામનગર લઈ ગયા હતા. અપહરણકારોની ચુંગાલમાંથી છૂટેલા હિરલભાઈ કાનાણીએ ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેત કર્યું હતું કે અગાઉ તે જામનગરમાં સ્કૂલબેગની દુકાન ધરાવતો હતો અને તેની દુકાનની બાજુમાં જ ઓફીસ ધરવતા આરોપી જયપાલસિંહ ચુડાસમા સાથે પરિચય થયો હતો. દરમિયાન જયપાલસિંહ હિરલભાઈને ફોન કરી વોટ્સએપમાં ઓનલાઈન તીનપતિ જુગારની આઈડી આપતા હિરલભાઈ જુગાર રમતા રૂપિયા 7 લાખ હારી ગયો હતો. દરમિયાન 7 લાખ હારી જતા આરોપીઓએ ઉઘરાણી ચાલુ કરી હતી અને 7 લાખના 28 લાખ આપવા પડશે કહી ગત તા.12ના રોજ રાત્રીના સમયે મોરબી આવી આરોપી મહિપાલસિંહ રાણા, જયપાલસિંહ ચુડાસમા, અર્જુન પ્રજાપતિ અને નંદો નામના શખ્સોએ ટાટા પંચ કારમાં બળજબરીથી અપહરણ કરી જામનગર લઈ ગયા હતા. જ્યાં રામેશ્વરનગરમાં એક રૂમમાં ગોંધી રાખી સિગારેટના ડામ આપી બેફામ માર મારી હાથ ઉપર છરી વડે ઇજા કરી હતી. જો કે, હિરલભાઈએ હાલમાં પૈસા ન હોવાનું કહેતા અંતે આરોપીઓ હિરલભાઈને તેમના ગામ હડિયાણા ઉતારી ગયા હતા અને વહેલી તકે પૈસા આપવા દબાણ કર્યું હતું. સમગ્ર ઘટના અંગે પરિવારજનોને જાણ થયા બાદ ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ચારેય અપહરણ કરનારા વિરુદ્ધ આઇપીસી કલમ 365, 447,342,323,504, 506 (2),114 અને જીપી એકટની કલમ 135 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.