શહેરી વિકાસ વિભાગ દ્વારા 16 ફેબ્રુઆરી પહેલા જવાબ આપવા તાકીદ કરતા આવતીકાલે જ સામાન્ય સભા બોલાવાય તેવી શક્યતા મોરબી : 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે બહાના કાઢી જવાબ આપવાથી બચી રહેલા મોરબી નગરપાલિકા પ્રમુખને સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા આખરીનામું આપી દેવામાં આવ્યું છે, શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવે આગામી તા.16મી પહેલા નગરપાલિકા બોડીને કેમ સુપરસીડ ન કરવી તે અંગેની નોટિસનો જવાબ આપી દેવા તાકીદ કરતા પાલિકાના સત્તાધીશો દોડતા થયા હોવાનું અને આવતીકાલે જ તાબડતોબ સામાન્યસભા બોલાવવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. મોરબી નગરપાલિકાના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગત તા.30મી ઓક્ટોબરના રોજ મોરબીનો ઐતિહાસિક ઝુલતોપુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોનો ભોગ લેવાતા આ મામલે નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો રિટ પિટિશન દાખલ કરી સરકારને આડેહાથ લેવાની સાથે અજંતા ઓરેવા કંપની સાથે ઝૂલતા પુલનો કરાર કરી સામાન્ય સભામાં કરારને કાયદેસરતા ન બક્ષનાર જવાબદાર પાલિકા તંત્રને સુપરસીડ કેમ નથી કરવામાં આવી તેવો સવાલ ઉઠાવતા શહેરી વિકાસ વિભાગ દ્વારા આ મામલે મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ ન કરવી તે અંગે નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવ્યો હતો. બીજી તરફ મોરબી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરી વિકાસ વિભાગની નોટિસનો જવાબ આપવા બોલાવેલ સામાન્ય સભામાં અમારી પાસે કોઈ સાહિત્ય ન હોવાનો બચાવ કરી ગોળગોળ જવાબ આપતા શહેરી વિકાસ વિભાગે આ મામલે 50 પાનના પુરાવા સહિતનું સાહિત્ય મોકલ્યું હતું જેમાં એફએસએલ રિપોર્ટ, એસાઇટીનો રિપોર્ટ, નગરપાલિકા અધિનિયમ 263ની જોગવાઈઓ, પાલિકાએ કરેલો કરાર સહિતની આપી હતી. જો કે શહેરી વિકાસ વિભાગના આટલા પુરાવા મોકલવા છતાં પણ પાલિકાએ હજુ સુધી જવાબ આપવા તસ્દી ન લેતા અંતે ગઈકાલે શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવે આગામી તા.16 ફેબ્રુઆરી 2023 પહેલા જવાબ રજૂ કરવા અથવા તો પાલિકાને કોઈ રજુઆત કરવાની નથી તેમ માની કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ તાકીદ કરતા આવતીકાલે જ પાલિકાના સતાધિશો સામાન્ય સભા બોલાવે તેવા સંકેત મળી રહ્યા છે.