હેલો કીટી સ્પામા બહારથી મહિલાઓ બોલાવી થતો હતો દેહ વિક્રય મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં સ્પાના રૂપકડા નામની આડમાં કૂટણખાના ધમધમી રહયા હોવાનું જગજાહેર છે ત્યારે મોરબી એસઓજી ટીમે ગઈકાલે લખધીરપુર રોડ ઉપર આવેલ હેલો કીટી સ્પા મા દરોડો પાડી ગોરખધંધા કરનાર મહિલા સંચાલિકા અને એક ગ્રાહકને ઝડપી લઈ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેર અને જિલ્લામાં હાલમાં ખૂણે ને ખાચરે સ્પા ના નામે ગોરખધંધા ચાલી રહ્યા છે, ચોંકાવનારી બાબત તો એ છે કે સ્પા ના હાટડા હવે ટંકારા અને હળવદ જેવા નાના ટાઉનમાં પણ ખુલ્લે આમ ચાલી રહ્યા છે ત્યારે મોરબી એસઓજી ટીમે ગઈકાલે બાતમીને આધારે લખધીરપુર રોડ ઉપર હેલો કીટી ફેમિલી સ્પામા દરોડો પાડી શરીર સુખ માણવા આવનાર વિરલ સુનિલભાઈ પિત્રોડા અને સ્પા સંચાલિકા ગુડિયા રાજુ મિશ્રા નામની મહિલાને ઝડપી લઈ રોકડા રૂપિયા 3350, મોબાઈલ નંગ -2 કિંમત રૂપિયા 11 હજાર સહિત 14,350નો મૂળમાલ કબ્જે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, એસઓજી પોલીસની પ્રાથમિક તપાસમાં હેલો કીટી ફેમિલી સ્પામા બહારથી મહિલાઓ બોલાવી સ્પા માં આવતા ગ્રાહકોને અનૈતિક શરીર સુખ માણવા સગવડ પુરી પાડવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. હાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે એસઓજી પોલીસે ગુન્હો રજિસ્ટર કરાવ્યો છે.