વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે દિલ્હીથી વિશ્વવ્યાપી સુધારણા કાર્યક્રમની શરૂઆત કરાવશે ટંકારા : ટંકારાના સ્વામી દયાનંદ સરસ્વતીની આવતીકાલે 200મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે સ્વામી દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતીને લઈને ટંકારામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે 12 ફેબ્રુઆરી ને સવારે 9 વાગ્યે દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં જ્ઞાન જયંતી પર્વમા હાજરી આપી આગામી બે વર્ષ માટે વિશ્વવ્યાપી સુધારણા કાર્યક્રમની શરૂઆત કરાવશે. જન્મ જયંતીને લઈને ઋષિ ભૂમિ ટંકારા શહેરના રાજમાર્ગો ઉપર બેનરો લગાવવામાં આવ્યા છે. વૈચારિક ક્રાંતિના જનક, મહાન સમાજ સુધારક, સતિ પ્રથા, કુરિવાજો, આઝાદીના પ્રથમ ઉદ્બોધક, અનેક ક્રાંતિકારીના પેરણા સ્ત્રોત, વૈદિક સંસ્કૃતિને પ્રજવલ્લિત કરવામાં આર્ય સમાજની સ્થાપના કરનારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની આવતીકાલે 200મી જન્મ જયંતી છે. આ તકે દિલ્હી ખાતે ઈન્દીરા ગાંધી સ્ટેડિયમ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આગામી બે વર્ષમાં વિશ્વવ્યાપી સમાજ સુધારણા કાર્યક્રમ ખુલ્લા મુકવામાં આવશે. આ તકે દેશ પરદેશમાંથી હજારો આર્ય સમાજી ઉપસ્થિત રહશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટંકારા ડેમી નદીના કિનારે બ્રાહ્મણ કરશનભાઈ ત્રિવેદી અને માતા અમરૂતબાઈના કુખે 12 ફેબ્રુઆરી 1824ના રોજ જન્મેલા બાળ મુળશંકર ઉર્ફે દયારામ બાદ મહર્ષિ દયાનંદ સરસ્વતી બની દેશને વૈદિક સંસ્કૃતિનુ ખરું સ્વરૂપ સમાજ સામે આપી સત્યાર્થ પ્રકાશ ગ્રંથની રચના કરી અનેક કુરીવાજો પ્રથા બંધ કરાવવાની પહેલ કરનારા બન્યા હતા. એવા આર્ય સમાજના સ્થાપક ઋષિની 200મી જન્મ જયંતી જ્ઞાન જયંતી પર્વ તરીકે બે વર્ષ સુધી વિશ્વ વ્યાપી સમાજ સુધારણા અભિયાન હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત ઋષિની પાવન ભૂમિ પર પણ શહેરના રાજમાર્ગો ઉપર બેનરો પતાકા લગાવી 200મી જન્મ જયંતીની ઉજવણીની તૈયારી કરવામાં આવી છે અને આર્યસમાજીમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.