બિલ્ડરોની નારાજગી જોતા આજે સવારે મુખ્યમંત્રી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, મોરબી : રાજ્યમાં રાતોરાત જંત્રીદરને બમણો કરી દેવતા ઉઠેલા વિરોધ વંટોળ વચ્ચે ગઈકાલે મુખ્યમંત્રી કાર્યાલયમાં જંત્રી અંગે બિલ્ડરોના મુદ્દે ચર્ચા કર્યા બાદ આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જંત્રી દરમાં કરેલો વધારો મોકૂફ રાખવાનું જાહેર કરી આગામી 15 એપ્રિલથી જંત્રી દર અમલી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં કરેલા નિર્ણય મુજબ રાજ્યમાં તા. 04 ફેબ્રુઆરીએ જાહેર કરાયેલા જંત્રી દરના વધારાનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. આગામી તારીખ 15/04/2023ના રોજથી અમલી કરવામાં આવશે. નોંધનીય છે કે રાતોરાત બમણો જંત્રી દર અમલી બનતાં બિલ્ડર્સ અને સામાન્ય નાગરિકો નારાજ થયા હતા. રાજ્ય સરકાર દ્વારા જંત્રીદર બમણો કરી દેવાતા રાજ્યભરમાં દરેક જિલ્લા કલેક્ટરને બિલ્ડર એસોસિએશન દ્વારા જિલ્લા સ્તરે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. બીજી તરફ સુપ્રિટેન્ડેન્ટ સ્ટેમ્પ ડ્યુટી સાથે મુખ્યમંત્રીએ ગત રોજ બેઠક પણ કરી હતી અને જંત્રીના દર અંગે ચર્ચા વિચારણા કરી હતી અને રાજ્યમાં ઉઠેલા વિરોધને પગલે આજે સવારે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સત્તાવાર રીતે રાજ્યમાં નવા જંત્રીના દર તારીખ 15 એપ્રિલ, 2023થી અમલી બનાવવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.