રાજ્યભરની તમામ ડીસ્ટ્રીકટ કોર્ટમાં થતી કાર્યવાહી લાઈવ નિહાળી શકાશે મોરબી : ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરની તમામ ડીસ્ટ્રીકટ કોર્ટની કાર્યવાહી યુટ્યુબ ઉપર લાઈવ સ્ટ્રીમિંગ કરવાના પ્રોજેક્ટની અમલવારી કરતા ગઈકાલે સાંજથી મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, સમગ્ર દેશમાં તમામ ડીસ્ટ્રીકટ કોર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવતું હોય તેવું ગુજરાત રાજ્ય પ્રથમ બન્યું છે. ન્યાયતંત્રની કાર્યપ્રણાલી લોકો લાઈવ નિહાળી શકે તે માટે સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ બાદ હવે ગુજરાતની તમામ ડીસ્ટ્રીકટ કોર્ટમાંથી યુ ટ્યૂબ ઉપરથી લાઈવ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે, સરકારની સૂચના મુજબ ગઈકાલે સાંજે નામદાર મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટના લાઈવ યુ ટ્યુબ ટેલિકાસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. લોકો નામદાર મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં થતી કાર્યવાહી યુ ટ્યુબ ઉપર મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટ લાઈવ સર્ચ કરી નિહાળી શકશે.