પુરવઠાનો માલ ડિલિવરી કરવા જતાં 14 વાહનોને જીપીએસ સિસ્ટમ નાખવામાં આવશે મોરબી : મોરબી જિલ્લાના પાંચેય તાલુકા મોરબી, માળીયા, ટંકારા અને વાંકાનેર તેમજ હળવદ તાલુકા મળીને પાંચેય પુરવઠા વિભાગના અન્ન સહિતના સરકારી રાશનના સંગ્રહ માટેના ગોડાઉનમાંથી વારંવાર પુરવઠાનો જથ્થો બરોબર પગ કરી જતો હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી અને પુરવઠાના આ ગોડાઉનમાંથી પુરવઠાનો મોટો જથ્થો બરોબર સગેવગે થઈ જતો હોવાથી આ પુરવઠાના માલને સલામત રાખવા માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને મોરબી જિલ્લાના આ પાંચેય સરકારી પુરવઠાના ગોડાઉનમાં માલની વોચ રાખવા માટે સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. મોરબી જિલ્લાના પાંચેય સરકારી પુરવઠા વિભાગના ગોડાઉનમાં નાખવામાં આવેલા સીસીટીવી કેમેરા એક અઠવાડિયાની અંદર શરૂ થઈ જશે. સીસીટીવી કેમેરા મુકાતા હવે સરકારી પુરવઠો બરોબર સગેવગે થતો અટકશે અને ગરીબો સુધી આ માલ સીધો જ પહોંચશે. આ ઉપરાંત ગોડાઉનમાંથી માલ ભરીને સસ્તા અનાજની દુકાને ડિલિવરી કરવા જતાં વાહનોમાં પણ ગેરરીતી થાય છે. જેમાં આ વાહનો ઘણી વખત સસ્તા અનાજની દુકાનને બદલે બીજી જગ્યાએ માલ ડિલિવરી કરવા જતાં અગાઉ અનેક વખત પકડાયા છે. ત્યારે આ પુરવઠા વિભાગના ગોડાઉનના માલની સસ્તા અનાજની દુકાને માલની ડિલિવરી કરવા જતાં 14 વાહનો કઈ જગ્યાએ ડિલિવરી કરવા ગયા એના પર દેખરેખ રાખવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી આ વાહનોને જીપીએસ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. જેથી એ વાહનનું લોકેશન જિલ્લા અને રાજ્યના પુરવઠાના અધિકારીઓ મેળવી શકશે. આ વાહન ક્યાં પહોંચ્યું તેમજ યોગ્ય જગ્યાએ માલ ડિલિવરી કરવા આ વાહન ન ગયું હોય જીપીએસ સિસ્ટમનું લોકેશન બહારનું દર્શાવશે તો તુરંત જ એક્શન લઈ શકાશે. જેમાં પણ ગેરરીતિ થતી અટકશે. તેમ પુરવઠા અધિકારી ડી.સી.પરમારે જણાવ્યું હતું.