વારંવાર આસપાસના અમુક વેપારીઓ નદીના પટમાં નીચે કચરો નાખતા હોય અને આ કચરો સળગાવતા પ્રદુષણનો પ્રશ્ન ગંભીર બન્યો મોરબી : મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ પુલ નીચે નદીના પટમાં કચરો સળગાવ્યો હતો. જેથી કચરામાં આગ ભભૂકી ઉઠતા ભીષણ જ્વાળાઓ થઈ હતી. જો કે, વારંવાર આસપાસના અમુક વેપારીઓ નદીના પટમાં નીચે કચરો નાખતા હોય અને આ કચરો સળગાવતા પ્રદુષણનો પ્રશ્ન ગંભીર બન્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બન્ને પુલની વણાંકમાં દરબારગઢ તરફ જવા માટે આવેલ મહેન્દ્ર ડ્રાઈવ પુલની નીચે નદીના પટમાં કચરો સળગાવવામાં આવ્યો હતો અને કચરાના મોટા ઢગલામાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જો કે, મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર રસગોલા બજાર તેમજ છૂટક ખાણીપીણીના ધંધાર્થીઓ પણ રોડની સાઈડમાં ઉભા રહી ધંધો કરતા હોય પણ આ અમુક ધંધાર્થીઓ પોતાનો વાસી એંઠવાડ પુલની નીચે નદીના પટમાં ફેંકી દે છે. પરિણામે પુલની નીચે વાસી ખોરાકનો એંઠવાડ જમા થઈ જતા ભારે ગંદકી ફેલાય છે. કચરાના ગંજ મોટા થઈ જતા અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ કચરો સળગાવવામાં આવે છે. વારંવાર આ રીતે કચરો સળગાવતા હોવાથી નદીમાં પ્રદુષણનું જોખમ વધ્યું છે. તેથી આ પ્રદુષણનો પ્રશ્ન ગંભીર બને તે પહેલાં સંબધિત તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.