મોરબીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા જુદા જુદા વિભાગોની કસોટી કરાઈ મોરબી : મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ સીએનજી પમ્પમાં આજે ગેસ લીકેજ થતા તમામ વિભાગો દોડતા થયા હતા. જો કે ગેસ લીકેજની બાબત મોકડ્રિલ હોવાનું જાહેર થતા તંત્રવાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સંભવિત ગેસ લિકેજની દુર્ઘટનામાં સમયસર પહોંચી વળવા તંત્ર કેટલું સક્ષમ છે તેની કસોટી કરવા માટે આજે મોરબીમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના મહેન્દ્રનગર હળવદ રોડ ઉપર આજે સીએનજી પમ્પમાં ગેસ લીકેજની ઘટના બની હતી. આ બનાવની જાણ થતાં ગેસ કંપનીના અધિકારીઓ, ફાયર ઓફિસર, 108 અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી જઈને આ ઘટના ઉપર તુરંત કાબુ મેળવ્યો હતો. જો કે આ ગેસ લીકેજની ઘટના એક મોકડ્રિલ હોવાનું સાબિત થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો અને તમામ તંત્ર આવી ઘટનાઓ સમયે તાત્કાલિક કામગીરી કરવા સક્ષમ હોવાનું આજની મોકડ્રિલમાં પુરવાર થયું હતું.