હોટેલ, દુકાનોમાંથી ફૂડ વિભાગે છેલ્લા બે મહિનામાં 64 નમૂના લીધા મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા અપૂરતા સ્ટાફ વચ્ચે પણ સમયાંતરે કામગીરી કરવામાં આવી રહી છે જે અન્વયે અગાઉ લીધેલા નમૂનાઓ ફેઈલ થતા પાંચ આસામીઓને રૂપિયા 2.85લાખનો દંડ ફટકારી છેલ્લા બે મહિનામાં જ ફૂડ વિભાગે ચીકી, મીઠાઈ, મસાલા, તેલ,ખમણ, ચાની ભૂક્કી અને હોટેલમાં પીરસાતા ખોરાકના નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. મોરબી ફૂડ વિભાગના અધિકારી એમ.એમ.છત્રોલાના જણાવ્યા મુજબ મોરબી શહેર અને જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા નિયમિત રૂપે ચેકીંગ અને સેમ્પલીંગની કામગીરી કરવામાં આવી રહી છે જે અન્વયે છેલ્લા બેથી ત્રણ મહિના દરમિયાન ફૂડ વિભાગ દ્વારા ચીકી, મીઠાઈ, મસાલા, તેલ,ખમણ, ચાની ભૂક્કી અને હોટેલમાં પીરસાતા ખોરાકના સહિતનાનમૂના લીધા છે જેમાં સૌથી વધુ 15 નમૂના ફરસાણના, હળદર, મરચું અને ધાણાજીરુંના 10 નમૂના, જુદી-જુદી હોટલમાંથી 10 નમૂના, બ્રાન્ડેડ ખાદ્યતેલના 7 નમૂના સહીત કુલ મળી 64 નમૂના લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત મોરબી ફૂડ વિભાગ દ્વારા અગાઉ લેવામાં આવેલા નમૂના લેબોરેટરીમાં નાપાસ થતા પાનમસાલા, તેલના વેપારી અને ડેરી સંચાલક સહીત પાંચ અસામીઓને ફૂડ વિભાગ દ્વારા નિયમભંગ બદલ રૂપિયા 2.85 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું તેમને સત્તાવાર રીતે જણાવ્યું હતું.