મોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર સર્વિસ રોડ ઉપર રોંગ સાઈડમાં ધસી આવેલા બોલેરો ચાલકે બાઈક લઈને જઈ રહેલા સગીરને હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા સગીરનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત સર્જી બોલેરો ચાલક વાહન રેઢું મૂકી નાસી જતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. જીવ લીધો પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં વાંકાનેરના રહેવાસી હિમાશુંભાઇ ભરતભાઇ સોલંકીએ ફરિયાદ નોંધાવતાંજાહેર કર્યું હતું કે તેમનો નાનો ભાઈ માધવભાઇ ભરતભાઇ સોલંકી મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર સર્વિસ રોડ ઉપર બાઈક લઈને જતો હતો ત્યારે મનિષ સિરામિક કારખાના નજીક બોલેરો પીકઅપ ગાડી નં. GJ-01-BT-9277ના ચાલકે રોંગ સાઈડમાંથી આવી મૃતક માધવભાઇ ભરતભાઇ સોલંકીને હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. વધુમાં અકસ્માત સર્જ્યા બાદ નાસી ગયેલા બોલેરો ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે હિમાશુંભાઇ ભરતભાઇ સોલંકીની ફરિયાદને આધારે આઇપીસી કલમ-૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ. કલમ-૧૮૪, ૧૭૭, ૧૩૪, ૧૧૯ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.