ભારતીય દંડ સંહિતાની જોગવાઈ અન્વયે આરોપીઓને બચવું મુશ્કેલ મોરબી : મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં ઝૂલતા પુલનું સંચાલન કરનાર અજંતા ઓરેવના માલિક જયસુખ પટેલને પણ અંતે આરોપી તરીકે જોડવામાં આવ્યા છે ત્યારે આ ગંભીર અપરાધમાં તપાસનીશ પોલીસ દ્વારા કુલ દસ આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની જે કલમો મુજબ ગુન્હો નોંધાયો છે તેમાં આરોપીઓને દસ વર્ષથી લઈ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઝૂલતા પુલનું સંચાલન કરનાર અજંતા ઓરેવ કંપનીના બે મેનેજર, ઝૂલતો પુલ રીપેર કરવાનો કોન્ટ્રાકટ રાખનાર પિતા - પુત્ર, ટિકિટ ક્લાર્ક, સિક્યુરિટી ગાર્ડ સહિત નવ આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યા બાદ તપાસ દરમિયાન તપાસ કરનાર અધિકારીને અજંતા ઓરેવાના માલિક જયસુખ પટેલ વિરુદ્ધ પુરાવા મળ્યા બાદ તપાસનીશ અધિકારી સમક્ષ હાજર ન થતા પોલીસે નામદાર અદાલત મારફતે જયસુખ પટેલ વિરુદ્ધ સીઆરપીસી કલમ 70 મુજબ ધરપકડ વોરંટ ઇશ્યુ કરાવી આ કેસમાં ફરાર આરોપી તરીકે દર્શાવ્યા છે. દરમિયાન અજંતા ઓરેવા ગ્રુપના મેનેજીંગ ડિરેકટર અને માલિક એવા જયસુખ પટેલ વિરુદ્ધ પણ આઇપીસી કલમ 304, 308, 336, 337, 338 અને 114 મુજબના ગુન્હામાં આરોપી તરીકે જોડવામાં આવતા ભારતીય દંડ સંહિતાની જોગવાઈ મુજબ જયસુખ પટેલ સહિતના તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદાનો મજબૂત ગાળિયો કસાયો છે. મોરબીના જાણીતા એડવોકેટ અને ઝૂલતા પુલ દુર્ઘટનામાં પીડિત પરિવાર તરફથી કેસ લડી રહેલા એડવોકેટ દિલીપભાઈ અગેચણિયાએ આ કેસમાં જયસુખ પટેલ સહિતના આરોપી વિરુદ્ધ જે કલમો મુજબ ગુન્હો નોંધાયો છે તેની છણાવટ કરતા જણાવ્યું હતું કે, આઇપીસી કલમ 304ની જોગવાઈ મુજબ ખૂન ન ગણાય તેવા મનુષ્યવધ માટે શિક્ષાની આ કલમમાં જોગવાઈ છે, પોતાના કૃત્યથી સામેવાળાનું મૃત્યુ નીપજી શકે એવું કૃત્ય કરનાર જાણતો હોય પરંતુ ઈરાદો ન હોય તેવા કિસ્સામાં દસ વર્ષની કેદ અથવા આજીવન કેદની સજાની જોગવાઈ છે. જ્યારે આઇપીસી કલમ 308 મુજબ ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશ.૩ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને પરંતુ આવા વ્યથા થાય તો ૭ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડની જોગવાઈ છે. આઇપીસી કલમ 336 મુજબ બીજાઓની જીંદગી જોખમમાં મુકાય તેવા કૃત્ય બેફામ પણે કે બેદરકારીપૂર્વક કરવા.૩ માસ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા ૨૫૦ સુધીનો દંડ અથવા બંનેની જોગવાઈ છે. આઇપીસી કલમ 337 મુજબ બીજાઓની જિંદગી જોખમમાં મુકાય એવા કૃત્યથી વ્યથા કરવી.દા.ત.છુટા પથ્થરના ઘા કરવા.૬ માસ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા ૫૦૦ દંડ અથવા બંનેની જોગવાઈ છે. આઇપીસી કલમ 338 મુજબ બીજાઓની જિંદગી જોખમમાં મુકાય એવ કૃત્યથી મહાવ્યથા કરવી.૨ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા ૧૦૦૦ દંડ અથવા બંનેની જોગવાઈ છે. આ ઉપરાંત આઇપીસી કલમ 114 પણ આ કેસમાં લગાવવામાં આવેલી છે. આઇપીસી કલમ 114 ગુન્હાના કામે ગુન્હેગારોએ એક બીજાની મદદગારી કરી હોવાનું દર્શાવે છે.