ખરાબ રસ્તામાં સતત ત્રણ મહિનાથી ઉભરાતી ગટરની ગંદકીને લીધે નાના ઉધોગકારો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા વહેલીતકે રોડના કામ શરૂ કરી ગટરની સમસ્યાનું નિવારણ લાવવાની કલેકટરને રજુઆત મોરબી : મોરબીની આર્થિક કરોડરજ્જુ ગણાતા લાતીપ્લોટની હાલત હાલ સૌથી વધુ બેહાલ છે.થોડા સમય પહેલા લાતીપ્લોટમાં રસ્તાના કામો શરૂ કર્યા બાદ અધવચ્ચે અટકાવી દેતા હાલ ગટર ઉભરવવાની સમસ્યા એટલી હદે માજા મૂકી છે કે, નાના ઉધોગકારો અને વેપારીઓને ખરાબ રસ્તા અને ગટરની સમસ્યાથી ધંધા બંધ રાખવાંની નોબત આવે તેમ છે. આથી નાના ઉધોગકારો અને વેપારીઓએ કલેકટરને રજુઆત કરીનેવહેલીતકે રોડના કામ શરૂ કરી ગટરની સમસ્યાનું નિવારણ લાવવાની માંગ કરી છે. મોરબીના ઔદ્યોગિક વિસ્તાર લાતીપ્લોટના નાના લઘુ ઉધોગકારો અને વેપારીઓએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે, વર્ષોથી તંત્રની બેદરકારીના પાપે લાતીપ્લોટ ચારેકોરથી સમસ્યાઓથી ઘેરાયેલો છે. રોડ રસ્તા અને ઉભરાતી ગટરને કારણે અહીંયાના નાના ઉધોગકારો અને વેપારીઓ લાંબા સમયથી પરેશાન છે.તેથી દર ચોમાસે પાણી ભરાવવાની સમસ્યાને કારણે ઘડિયાળ, ટાઇલ્સ સહિતના ઘણા ઉધોગો અહીંથી બંધ થઈને અન્ય જગ્યાએ શિફ્ટ થઈ ગયા છે. જ્યારે ઘણા નાના ઉધોગો અને વેપારીઓ મૂડીના વાંકે સમસ્યાથી પીડાય રહ્યા છે. દરમિયાન ગત ચોમાસા બાદ રાજ્ય સરકાર દ્વારા લાતીપ્લોટમાં નવા રસ્તા સહિતના કામો મંજૂર કરવામાં આવ્યા હતા અને રોડના કામોનું ખાતમુહૂર્ત કરીને થોડું કામ કર્યા બાદ અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવ્યું છે. રોડના ખોદાણને કારણે રોડ વધુ ખરાબ થઈ ગયા છે. ઉપરથી સતત ગટર ઉભરાતી રહેતી હોય દરરોજ ખાડામાં અનેક વાહનો ફસાય છે અને ભારે હાડમારી વેઠવી પડે છે. આ ઔદ્યોગિક વિસ્તાર પાલિકામાં સૌથી વધુ ટેક્સ ભરતો હોવા છતાં સુવિધા મામલે ઓશિયાળો સાબિત થયો છે. નગરપાલિકાએ એક પણ રજુઆત સાંભળીને કામ કર્યું હોય એવું ક્યારેય બન્યું નથી. દરેક રજુઆતને ડૂચો વાળી દેવાતો અત્યારે લાતીપ્લોટની દશા નર્કાગાર જેવી થઈ ગઈ છે. આથી આ સમસ્યાનું વહેલીતકે નિરાકરણ લાવવા કલેકટરને રજુઆત કરી છે.