મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના સમયે બચાવ તેમજ રાહત કામગીરીમાં અનન્ય સેવા પ્રદાન કરવામાં આવી હતી જે બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જલારામ મંદિરના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી દરમિયાન આજે મોરબી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, હસુભાઈ પંડિત, નિર્મિતભાઈ કક્કડ સહીતનાં અગ્રણીઓનું પારિતોષિક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ હતુ. આ તકે મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી પંડ્યા, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તથા પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર દ્વારા કોરોનાની મહામારીમાં પણ એક લાખ થી વધુ ફુડ પેકેટ વિતરણ, ઓક્સિજન બોટલ, નેબ્યુલાઈઝર, આયુર્વેદીક દવાઓનુ વિતરણ, કોવિડ કેર સહીતની સેવાઓ પ્રદાન કરવામાં આવી હતી. મોરબી જલારામ મંદિર દ્વારા બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, સામૂહિક અસ્થિ વિસર્જન, શબવાહિની સેવા, અંતિમ યાત્રા બસ, વૈકુંઠ રથ સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદની વ્યવસ્થા, દર મહીનાની ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પ, પદયાત્રીઓની સેવા, બ્લડ ડોનેશન, મેડિકલ સાધનોની સેવા, ફ્રિઝ શબ પેટી સહીતની સેવાઓ અવિરતપણે સમાજને પ્રદાન કરવામાં આવે છે. ત્યારે જિલ્લા કક્ષાનાં પ્રજાસતાક પર્વમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મોરબી જલારામ મંદિરની સેવા ને બિરદાવાઈ હતી.