ખેતીવાડીના 15 રહેણાંકના 6 મળી કુલ 21 વીજ કનેક્શનોમાં ગેરરીતિ બહાર આવી મોરબી : હળવદ પંથકમાં મોટાપાયે વીજચોરી થતી હોવાની ફરિયાદ સંદર્ભે અલગ અલગ વીજ ચેકિંગ ટુકડીઓ ત્રાટકી હતી અને સઘન ચેકિંગ કરતા ખેતીવાડીના 15 રહેણાંકના 6 મળી કુલ 21 વીજ કનેક્શનોમાં ગેરરીતિ બહાર આવી હતી. આથી રૂ.11.65 લાખની વીજચોરી ઝડપાઇ હતી. મોરબી પીજીવીસીએલ કચેરી દ્વારા હળવદ વિભાગીય કચેરી હેઠળના મૂળી તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડીના વીજ કનેક્શનો વીજચોરીનું પ્રમાણ વધુ હોવાથી જામનગર, ભુજ, અંજાર તથા મોરબી જિલ્લાની અલગ અલગ મળી કુલ 20 વીજ ચેકિંગ ટુકડીઓ ત્રાટકી હતી અને આ વીજ ચેકિંગ ટુકડીઓએ ખેતીવાડીના 75 કનેક્શનો ચેક કરતા 15 કનેક્શનમાં ગેરરીતિ હોવાનું બહાર આવતા રૂ.9.20 લાખ અને રહેણાંકના 36 કનેક્શન ચેક કરતા 6 કનેક્શનમાં ગેરરીતિ હોવાનું બહાર આવતા અંદાજે રૂ.2.45 લાખ એમ કુલ 21 કનેક્શનમાં ગેરરીતિ બહાર આવતા કુલ રૂ.11.65 લાખના બિલ ફટકારવામાં આવ્યા હતા. જ્યારે હજુ પણ હળવદ વિભાગીય કચેરી હેઠળના હળવદ શહેર, ગ્રામ્ય વિસ્તારમાં ચરડવા અને સરા સહિતના વિભાગમાં ખેતીવાડીમાં ભારે વીજચોરી થતી હોય આગામી દિવસોમાં સમયાંતરે વીજ ચેકિંગ કરવામાં આવશે.