રોટરી ક્લબ આયોજિત ધમાલગલીમાં 5 વર્ષના બાળકોથી માંડીને 60 વર્ષ સુધીના 400 લોકોએ શેરી રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો મોરબી : મોબાઈલ ગેમને કારણે બાળપણ ખરા અર્થેમાં ખીલતું તે લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો જેવી શેરી રમતો વિસરાય ગઈ છે.આ શેરી રમતો એટલી ભુલાય ગઈ છે કે આવનારી પેઢી માટે શેરી રમતો દંતકથા બની જાય તેવી સ્થિતિ ઉદભવી છે. ત્યારે બાળકો ફરી શેરી રમતો રમીને કુદરતના ખોળે બાળપણ ખીલી શકે તે માટે મોરબીની રોટરી ક્લબ સંસ્થા દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે અને આજે ધમાલગલીના આયોજનથી શેરી રમતો ફરી જીવંત થઈ હતી. મોરબી રોટરી ક્લબ દ્વારા જૂની શેરી રમતો જેવી કે લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો, મલ કુસ્તી,લખોટી, સાપસીડી, દોરડા કુદને ફરી જીવંત કરવા માટે આજે ભવાની જિન મિલ કું, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ મોરબી ખાતે ધમાલગલી નામથી બાળકોને શેરી રમતો રમાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધમાલગલીમાં બાળકો જૂની ભુલાયેલી શેરી રમતો રમીને બાળપણની સાચી મજા માણી હતી. બાળકો અને ખાસ નેત્રહિન ભાઈ બહેનો ક્રિકેટ, પ્લેઈગ કાર્ડ, ચેસ, લુડો સહિતની જૂની શેરી રમતો રમી હતી. રોટરી કલબ દ્વારા ધમાલગલી 2023ના આયોજનમાં 5 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના 400 જેટલા લોકો જોડાઈને રાસ ગરબા, જુમ્બા ડાન્સ,કુસ્તી, ભમરડો, લખોટી, દોરડાં કુદ, પેઇન્ટિંગ, બતક ચાલ, ચિતા ચાલ, લંગડી, ડુંગરપુરનો રાજા, દોરડાં ખેંચ, સાપસીડી, અંધ ક્રિકેટ, અંધ ચેસ, અંધ સાપસીડી વગેરે રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા રોટરી કલબના પ્રમુખ અશોકભાઈ મેહતા, સેક્રેટરી રાશેસભાઈ મહેતા, બંસીબેન શેઠ, સિદ્ધાર્થ જોશી સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.