તત્કાલીન તલાટી વિરુદ્ધ વાડા રજિસ્ટરમાં ગેરરીતિ કર્યા અંગેની ફરિયાદ ટંકારા : ટંકારા ગામે નવા ગ્રામ પંચાયત ભવનમાં 'ગ્રામસભા' યોજાઈ હતી. જેમાં ગત ગ્રામ સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી સાથે જ અન્ય મહત્વના પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા. આ ગ્રામસભામાં જલ જીવન મિશન કાર્યક્ર્મ અંતર્ગત નલ સે જલ યોજનાની કામગીરી પુર્ણ થયાનો ઠરાવ, વર્ષ 2020/21 અને 2021/22 ના પંદરમા નાણાં પંચની પુર્ણ થયેલી કામગીરીનું વાંચન, વર્ષ 2022/23ના પંદરમા નાણા પંચના કામોના આયોજનને બહાલી, ગામની નવી/જુની આંગળવાડીને લગતા બ્લોક, કલર, લાઈટ, શૌચાલય જેવા ભૌતિક પ્રશ્નોની ચર્ચા તેમજ સો. ચો. વાર ઘરથાળના પ્લોટ માટે secc ડેટા રદ કરી જુની પદ્ધત્તિ મુજબ પ્લોટ ફાળવવાની ગ્રામજનો દ્વારા પ્રબળ માંગ ઉઠી હતી. સામાજિક કાર્યકર ભરતભાઇ સોલંકી દ્વારા ટંકારા ગ્રામ પંચાયતના વાડા રજિસ્ટરમાં તત્કાલીન તલાટી કમ મંત્રી દ્વારા ગેરરીતિ અને છેડછાડ કરી વાસ્તવીકતા છૂપાવવામાં આવી છે તેના પુરાવા રજુ કરી પગલા ભરવા લાયઝન અધિકારીને રજુઆત કરી હતી. આ તકે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ મોરબી જિલ્લામાંથી લાયઝન અધિકારી રંજનબેન મકવાણા, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, પુરવઠા વિભાગ , ખેતીવાડી વિભાગ, જી ઈ બી વિભાગ, આંગળવાડી વર્કર, આશા વર્કર, રેવન્યુ વિભાગના જવાબદાર વ્યક્તિઓ હજાર રહ્યાં હતાં અને સ્થળ પર જ પ્રશ્નોના નિકાલ કર્યા હતા. તેમજ આજની 'ગ્રામસભા'ના સચિવ રમેશભાઈ મકવાણા, ગ્રામસભાના અધ્યક્ષ સરપંચ ગોરધનભાઈ, ઉપસરપંચ નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા, જિલ્લા પંચાયત વિરોધપક્ષના નેતા ભુપત ગોધાણી, હમિરભાઇ, પંકજભાઈ, નંદલાલભાઈ, ટંકારા ગ્રામ પંચાયતના સદસ્યો, સામાજિક આગેવાનો, વેપારીઓ, સામાજિક ન્યાય સમિતિના ઉપાઘ્યક્ષ હેમંતભાઈ ચાવડા, અરજણભાઇ ઝાંપડા તેમજ બહોળી સંખ્યામાં બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.