મોરબીના ચાંચપર નજીક વોકળામાંથી લાશ મળવા પ્રકરણમાં ભેદ ઉકેલી નાખતી પોલીસ મોરબી : મોરબી તાલુકાના ચાંચપર ગામ નજીક વોકળામાંથી યુવાનની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવવા પ્રકરણમાં તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે, ચોંકાવનારી બાબત તો એ છે કે, સગી મા જનેતા સાથે ખરાબ કૃત્ય આચરવાની કોશિશ કરનાર યુવાનને તેના જ સગાભાઈએ ગમચાથી ગળેટૂંપો આપી હત્યા કરી નાખી હતી. આ હત્યાના બનાવ સમય હાજર હત્યારના મિત્રની ફરિયાદને આધારે હાલ મોરબી તાલુકા પોલીસે મૂળ બિહારના શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે ચાંચપર ગામની સીમના વોકળામાંથી યુવાનની લાશ મળી આવતા બાતમીદારો અને ટેક્નિકલ સોર્સને કામે લગાડી પોલીસે તપાસ શરૂ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી અને યુવાનની ઓળખ મેળવી તપાસ કરતા આ મૃતક યુવાનની તેના જ સગા ભાઈએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આ હત્યા કેસમાં પોલીસે હત્યારાના મિત્ર એવા રાજેશ ઉમેશપ્રસાદ પાંડે, રહે. એલ.આઇ.સી. સીટી વિસ્તાર, સીપતમાર્ગ, ચિલ્હાટી, તા.જી.બિલાસપુર (છતિસગઢ) મૂળ- ગામ- અધરવાલ, પોસ્ટ-ડુમાહી તા.રામપુર બાઘેલાન જી.સતના (મધ્યપ્રદેશ) હાલ- વૈભવ, પોલીવીવ, કારખાનામાં, થોરાળા ગામની સીમ વાળાની ફરિયાદને આધારે આરોપી આનંદ અશોક મીશ્રા રહે. મીશ્રવલીયા જી. રોહતાસ (બીહાર) હાલ- વૈભવ, પોલીવીવ, કારખાનામાં, થોરાળા ગામની સીમ વાળા વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો છે. પોલીસ તપાસ દરમિયાન ફરિયાદી એવા હત્યારના મિત્ર રાજેશ ઉમેશપ્રસાદ પાંડેએ ચોંકાવનારી વિગતો આપતા જણાવ્યું હતું કે મૃતક રાજન મિશ્રા બિહારનો વતની છે અને રાજેશ તેમજ આનંદ મિશ્રા સાથે કામ કરતા હોય થોડા સમય પહેલા રાજન બિહારથી રોજી રોટી માટે થોરાળા આવ્યો હતો અને ત્રણેય એક જ ઓરડીમાં સાથે રહેતા હતા. આ અગાઉ જ્યારે આનંદને ઇજાઓ થતા રાજેશ તેની સાથે બિહાર ગયો ત્યારે આનંદ ના પિતાએ કહ્યું હતું કે રાજન મિશ્રા ચોરી ચપાટી કરે છે તેમજ સગી માતા સાથે બે ત્રણ વખત ખરાબ કૃત્ય કરવા કોશિશ કરી હતી. બીજી તરફ મૃતક રાજન મિશ્રા થોરાળા કામ કરવા આવ્યા બાદ તા.18 જાન્યુઆરીના રોજ રાજેશ, આનંદ અને રાજન ત્રણેય ચાંચપર ગામ તરફ ગયા હતા જ્યાંથી ચીકન લઈ પરત આવતા હતા ત્યારે રસ્તામાં વોકળામા ચિકન ખાવા બેઠા ત્યારે આનંદ મિશ્રાએ સગા ભાઈ એવા રાજનને સફેદ ગમચા વડે ગળેટૂંપો આપી વોકળામા ભરેલ પાણી મા મૃતદેહને ડુબાડી પગથી કાદવમાં દાટી દીધેલ હતી. હત્યાની આ ઘટના સમયે રાજેશે હત્યારા આનંદને આવું ન કરવા સમજાવ્યો હતો પરંતુ આનંદે જો કોઈને આ વાત કહીશ તો તારા હાલ પણ આવા કરીશ એમ કહી ચૂપ રહેવા ધમકી આપી કશું જ બન્યું ન હોય તેમ ત્યાંથી ચાલ્યા ગયા હતા અને રાજન ચિકન લેવા ગયા બાદ ગુમ થઈ ગયો હોવાનું કહી અન્ય લોકો સાથે મળી રાજનને શોધવા પણ ગયો હોવાનું પોલીસ સમક્ષ રાજેશે જણાવ્યું હતું. હાલમાં પોલીસે હત્યાના આ બનાવનો ભેદ ઉકેલી નાખી રાજેશ પાંડેની ફરિયાદને આધારે આરોપી આનંદ મિશ્રા વિરુદ્ધ આઇપીસી કલમ 302, 506 (2) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.