તા.21ના રોજ પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન આયોજિત સેફટી પ્રોગ્રામમાં 400 સિરામીક એકમો ભાગ લેશે મોરબી : મોરબીમાં નેચરલ પાઈપલાઈન ગેસના ભાવમાં વધારા બાદ સિરામીક ઉદ્યોગકારો સસ્તા ઇંધણના વિકલ્પરૂપે એલપીજી અને પ્રોપેન ગેસ વપરાશ કરતા થયા છે જેથી પ્રોપેન ગેસ વપરાશમાં સલામતી વિષયને લઈ આવતીકાલે તા.21ના રોજ મોરબી ખાતે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન દ્વારા એક દિવસીય સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું છે જેમાં મોરબીની 400 જેટલી ફેકટરીઓ જોડાશે. મોરબી સીરામીક એસોસીએશનના પ્રમુખ હરેશ બોપલીયાના જણાવ્યા મુજબ પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન (PESO), ભારત સરકાર અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓના સહયોગથી મોરબી સિરામિક એસોસિએશન દ્વારા કેશવ બેનક્વિટ હોલ કેનાલ રોડ લીલાપર ખાતે શનિવાર 21 જાન્યુઆરી 2023 ના રોજ પ્રોપેન સેફ્ટી વિષયમાં સિરામિક ઉદ્યોગો માટે એક દિવસીય સલામતી જાગૃતિ કાર્યક્રમ (SAP 2023) યોજવામાં આવી રહ્યો છે. કેસવ બેનક્વિટહોલ, કેનાલ રોડ લીલાપર મોરબી ખાતે PESO દ્વારા આયોજિત મેગા સેફ્ટી ઈવેન્ટમાં લગભગ 400 સિરામિક ઉદ્યોગો ભાગ લઈ રહ્યા છે. વધુમાં આ એક દિવસીય જાગૃતિ કાર્યક્રમમાં સિરામિક ઉદ્યોગોના 800 પ્રતિનિધિઓ સક્રિયપણે ભાગ લેશે. સલામતી -જાગૃતિ અંગેના આ કાર્યક્રમમાં પ્રોપેન સ્ટોરેજમાં સુરક્ષાના વિવિધ પાસાઓને આવરી લેતા આઠ ટેકનિકલ સત્રો હાથ ધરવામાં આવશે. IOCL, HPCL, BPCL, RELIANCE અને AEIGIS સાથે ટ્રાઇ ગેસ અને ગ્રીન ગેસ નામની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેપર રજૂ કરી સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું છે. આ તકે ડૉ. આર. વેણુગોપાલ, જોઈન્ટ ચીફ કંટ્રોલર ઑફ એક્સપ્લોઝિવ્સ અને PESO, ગુજરાતના વડા સલામતી જાગૃતિ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે અને IOCL, HPCL અને BPCLના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ પણ હાજર રહેશે.