મોરારીબાપુના હસ્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે મોરબી જિલ્લામાંથી ગીતાબેન સાંચલાની પસંદગી કરી બહુમાન અપાયું મોરબી : પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અનોખા અંદાજમાં શિક્ષણ આપવા માટે જાણીતા ટંકારા તાલુકાના હરબટિયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેનની મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા તલગાજરડા મુકામે મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. દર વર્ષે મોરારીબાપુ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડથી સન્માનવામાં આવે છે. જેમાં વર્ષ-2022 માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દરેક જિલ્લામાંથી 1-1 શ્રેષ્ઠ શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ. જે પૈકી મોરબી જિલ્લામાંથી ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ગીતાબેન મનસુખલાલ સાંચલાની પસંદગી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, મોરબી જિલ્લામાં પ્રથમ વખત મહિલા શિક્ષકની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી અને તારીખ 18 જાન્યુઆરીના રોજ તલગાજરડા મુકામે મોરારીબાપુના હસ્તે સાંચલા ગીતાબેન મનસુખલાલને ચિત્રકૂટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ મેળવી ગીતાબેન સાંચલાએ સમગ્ર ટંકારા તાલુકાની સાથે હરબટીયાળી ગામ તેમજ દરજી સમાજનું નામ રોશન કર્યું છે. ગીતાબેન સાંચલાને ચિત્રકૂટ એવોર્ડ - 2022નું સન્માન મળતા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા, મહામંત્રી દિનેશભાઈ હુંબલ,તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, મહામંત્રી વિરમભાઇ દેસાઈ, સીઆરસી કોર્ડીનેટર કૌશિકભાઈ ઢેઢી તેમજ હરબટીયાળી સ્કૂલના આચાર્ય મગનભાઈ ઉજરિયા અને શાળાના સ્ટાફ ગણ અને મોરબી તેમજ ટંકારાના તમામ શિક્ષક ભાઈઓ બહેનોએ ગીતાબેનને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત હરબટીયાળી ગામના સરપંચ દેવરાજભાઈ સંઘાણી,ગામના આગેવાનો,વડીલો ભાઈઓ,બહેનો અને વિદ્યાર્થીઓએ શુભકામનાઓ પાઠવી ગામનું નામ રોશન થયું એ બાબતનું ગૌરવ લીધું હતું.આ તકે સાંચલા ગીતાબેન તેમજ તેમના પરિવારે બધાનો આભાર વ્યક્ત કર્યો હતો.