મોરબીના દેવીપૂજક સમાજે આ ધૃણાસ્પદ ઘટનાને વખોડી કાઢી આરોપીઓને કડક સજા આપવાની માંગ કરી મોરબી : બોટાદમાં માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ અને ક્રૂર હત્યા નિપજાવવાના બનાવથી સમગ્ર સભ્ય સમાજ ખળભળી ઉઠ્યો છે અને ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીના દેવીપૂજક સમાજે આ ધૃણાસ્પદ ઘટનાને વખોડી કાઢી આરોપીઓને કડક સજા આપવાની માંગ કરી છે. મોરબીના દેવીપૂજક સમાજ દ્વારા કલેકટરને આવેદન આપીને જણાવાયું હતું કે, બોટાદમાં 15 જાન્યુઆરીએ કપાયેલી પતંગ પાછળ દોડતી એક સામાન્ય વર્ગની 9 વર્ષની બાળકીને નરાધમે લલચાવી ફોસલાવી ખંડેર જેવા ક્વાર્ટરમાં લઇ જઇ હેવાનીયત ભર્યું દુષ્કર્મ આચારી પોતાનું પાપ છુપાવવા આ બાળકીની ઠંડા કલેજે ક્રૂર હત્યા નિપજાવી હતી. આથી દેવીપૂજક સમાજે આ બનાવને રાક્ષસી કૃત્ય ગણાવીને નરાધમના હેવાનીયતભર્યા દુષ્કર્મને વખોડી કાઢી આ કેસને તાકીદે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી નરાધમને ફાંસીની સજા આપવાની માંગ કરી છે.