મોરબી : મોરબી તાલુકાના ઝીંઝુડા ગામથી આમરણ ગામ તરફ જવાનો 14 કિમિનો માર્ગ અતિશય બિસ્માર હાલતમાં છે. કહેવાતા આ ડામર રોડ ઉપરથી ડામર જ ખોવાઈ ગયો હોય આ રસ્તો ઘણા સમયથી ખખડધજ હાલતમાં મુકાતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મોરબી તાલુકાના ઝીંઝુડાથી આમરણ તરફનો 14 કિમીનો આ લાંબો માર્ગ એટલી હદે ખરાબ છે કે દીવો લઈને શોધો તો પણ રસ્તામાં ક્યાંય ડામર શોધ્યો જડે એમ નથી. જ્યારે હોસ્પિટલની ઇમરજન્સીના સમયે લોકો મુશ્કેલીમાં મુકાય જાય છે. ઠેરઠેર ગાબડા અને ખાડા ટેકરાવાળા માર્ગને કારણે ઘણીવાર ઇમરજન્સી દર્દીઓ સમયસર હોસ્પિટલમાં ન પહોંચે તો અઘટિત ઘટના બનવાની દહેશત રહે છે. તેમાંય ચોમાસા આ રસ્તાનું ધોવાણ થઈ જતું હોય ગારા કીચડ અને ઠેરઠેર ગાબડામાં પાણી ભરાવવાથી માર્ગની બદતર હાલત થઈ જતા લોકો પર અકસ્માતનો ભય તોળાઈ છે અને ચોમાસામાં માર્ગ ચાલવા યોગ્ય પણ રહેતો નથી. આથી સંબધિત તંત્ર રોડની યોગ્ય કામગીરી કરે તેવી ગ્રામજનોએ માંગ ઉઠાવી છે.