મોરબી જિલ્લા ઉમિયા પરિવારે 5000 ઘરમાં કરેલા સર્વેમાં દીકરાઓની તુલનાએ દીકરીઓનું પ્રમાણ ખુબ જ નીચું : અપરણિતોની સંખ્યા પણ ખુબ મોટી મોરબી : મોરબી પાટીદાર સમાજમાં શિક્ષણ તેમજ સામાજિક સુધારા માટે કામ કરતા મોરબી જિલ્લા ઉમિયા પરિવાર દ્વારા આગામી તા.25 જાન્યુઆરીના રોજ રજતજયંતિ એટલે કે 25માં સમુહલગ્નોત્સવનું આયોજન કર્યું છે ત્યારે આ સમુહલગ્નની કંકોતરીમાં પાટીદાર સમાજ માટે લાલબતીરૂપ સર્વેક્ષણ રજૂ કરી સમાજમાં દીકરાની તુલનાએ દીકરીઓની સંખ્યા ખુબ જ ઘટી હોવાનું જણાવાયું છે, ઉપરાંત આ સર્વેમાં 21થી 35 વર્ષ સુધીના અપરણિત દીકરા -દીકરીઓની સ્થિતિ પણ દર્શાવવામાં આવી છે. મોરબી જિલ્લા ઉમિયા પરિવાર દ્વારા મોરબી શહેરમાં જુદી-જુદી 65 સોસાયટીમાં વસવાટ કરતા પાટીદાર સમાજના 2961 ઘર તેમજ મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા પાટીદાર સમાજના 2039 ઘરોમાં દીકરા-દીકરીઓની સંખ્યા અને પરણિત - અપરણિત દીકરા-દીકરીઓનો સર્વે હાથ ધર્યો હતો જેમાં ચિંતાજનક આંકડા સામે આવ્યા હતા. આ સર્વે મુજબ મોરબી શહેરમાં 0થી 5 વર્ષના 556 દીકરાઓ સામે દીકરીઓની સંખ્યા માત્ર 465 છે, જયારે 6થી 10 વર્ષની વયજૂથમાં 579 દીકરા સામે દીકરીઓની સંખ્યા 426 છે, એ જ રીતે 11થી 15 વર્ષ વયજૂથમાં 476 દીકરા સામે 410 દીકરીઓ અને 16થી 20 વર્ષમાં 492 દીકરાઓ સામે 519 દીકરીઓ છે જે સારી બાબત ગણી શકાય. આ ઉપરાંત 21થી 25 વર્ષ વયજૂથમાં અપરણિત 436 દીકરા અને 318 દીકરીઓ અપરણિત છે, એ જ રીતે 26થી 30 વર્ષના 138 દીકરા અને 39 દીકરીઓ અપરણિત છે.જયારે 31થી 35 વર્ષના 65 દીકરા અને 12 દીકરીઓ અપરણિત હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. આ સર્વેક્ષણ મુજબ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા દીકરા દીકરીની સ્થિતિ જોઈએ તો, 0થી 5 વર્ષના 801 દીકરાઓ સામે દીકરીઓની સંખ્યા માત્ર 812 છે, જયારે 6થી 10 વર્ષની વયજૂથમાં 707 દીકરા સામે દીકરીઓની સંખ્યા 588 છે, એ જ રીતે 11થી 15 વર્ષ વયજૂથમાં 712 દીકરા સામે 601 દીકરીઓ અને 16થી 20 વર્ષમાં 874 દીકરાઓ સામે 846દીકરીઓ છે. આ ઉપરાંત 21થી 25 વર્ષ વયજૂથમાં અપરણિત 601 દીકરા અને 545 દીકરીઓ અપરણિત છે, એ જ રીતે 26થી 30 વર્ષના 305 દીકરા અને 89 દીકરીઓ અપરણિત છે.જયારે 31થી 35 વર્ષના 163 દીકરા અને 37 દીકરીઓ અપરણિત હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. આ સર્વેને પાટીદાર સમાજે ગંભીરતા પૂર્વક લેવા જણાવી આ સર્વે તો માત્ર 5000 ઘરનો હોવાનું અને મોરબી જિલ્લામાં પાટીદાર સમાજના 50,000 ઘર હોવાનો અંદાજ સેવી આ સ્થિતિ ભવિષ્ય માટે ચિંતાજનક હોવાનું જણાવ્યું છે.