8 પોલીસ અધિકારીઓ અને 60 પોલીસ કર્મચારીઓએ માળીયાના નવા ગામમાં સઘન કોમ્બિગ કરી ચાર દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી, 3 બુટલેગરની ધરપકડ, બે ફરાર મોરબી : મોરબી જિલ્લામાં પોલીસે આજે દેશી દારૂના અડ્ડા શોધી કાઢવા માટે આધુનિક ટેક્નિક એટલે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને જ્યાં જ્યાં ડ્રોન કેમેરા મારફત જ્યાં જ્યાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી દેખાઈ ત્યાં તુરંત જ પોલીસની ટિમો ત્રાટકી હતી. આ રીતે મોરબી જિલ્લામાં 8 પોલીસ અધિકારીઓ અને 60 પોલીસ કર્મચારીઓએ ડ્રોન કેમેરાથી માળીયાના નવા ગામમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને પોલીસે સઘન કોમ્બિગ કરી ચાર દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી હતી. તેમજ ત્રણ બુટલેગરને ઝડપી લીધા હતા. મોરબી જિલ્લામાં ઠેરઠેર દેશી દારૂના હાટડા ધમધમતા હોવાથી દારૂબંધી માત્ર કાગળ ઉપર જ હોવાનો તેમજ બુટલેગરો સાથે સાંઠગાંઠના આક્ષેપોનો સામનો કરી રહેલી પોલીસને તાજેતરમાં રેન્જ આઈજીની મોરબીમાં મુલાકાત બાદ ગેરકાનૂની પ્રવૃતિઓ પર તૂટી પડવાના આદેશથી પોતાની ફરજનું ભાન થયું હતું. ખાસ કરીને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અજ્ઞાત સ્થળે દેશી દારૂનો ધમધોકાર વેપલો ચાલતો હોય આ દેશી દારૂથી અનેક પરિવારો બરબાદ થયા હોવાથી દેશી દારૂની બદી સમાજના હિત માટે જોખમી હોવાથી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના આદેશને પગલે સમગ્ર જિલ્લા પોલીસ આજે દેશી દારૂના હાટડા પર તૂટી પડી હતી. ખાસ કરીને દેશી દારૂના હાટડાના લોકેશન શોધવા માટે પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો અને પ્રથમ માળીયાના નવા ગામમાં 8 જેટલા જુદી જુદી પોસ્ટના પોલીસ અધિકારીઓ અને 60 પોલીસ કર્મચારીઓએ બી.ડી.ડી. એસ.ટીમ ડ્રોન કેમેરાથી સર્ચ ઓપરેશન કરીને ચાર દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી. તેમજ આ દેશી દારૂના હાટડા ચલાવતા બુટલેગર મહેબૂબ ઈશાભાઈ મિયાણા, ગફુર ઇશાભાઈ જામ અને રશિદાબેન અબ્દુલભાઈ જામની ધરપકડ કરી હતી. જ્યારે અબ્દુલભાઈ ઉર્ફે પોપો અહેમદભાઈ જામ અને જુમાંભાઈ હૈદરભાઈ જામ ફરાર થઇ ગયા હતા. પોલીસે દેશી દારૂ બનાવવાનો રૂ.2700ની કિંમતનો 1350 લીટર આથો કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.