મોરબીના મટીરીયલ ટ્રેડિંગના ધંધાર્થીએ વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીમાં વ્યાજખોરો બેફામ બન્યા છે તેવા સમયે વ્યાજખોરોને નાથવા પોલીસ મેદાને આવતા બોગ બનનાર લોકો હવે હિંમત દાખવી ફરિયાદ કરવા આગળ આવતા વ્યાજખોરીના અનેક ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં મોરબીના મટીરીયલ ટ્રેડિંગના ધંધાર્થીએ રૂપિયા 2 લાખના સાડાત્રણ લાખથી વધુ રકમ ચૂકવવા છતાં વ્યાજંકવાદીએ વેગનઆર કાર પડાવી લઈ કોરા ચેકમાં સહીઓ કરાવી લેતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ તુલસી પાર્ક સોસાયટીમાં રહેતા મુળ મુળી તાલુકાના કુંતલપુર ગામના મટીરીયલ ટ્રેડર્સ રાહુલભાઇ નટુભાઇ ઠોરીયાએ મોરબીના પંચાસર રોડ ઉપર શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા કિરણભાઇ બોરીચા પાસેથી દોઢેક વર્ષ પહેલા ઉંચા વ્યાજે રૂપિયા બે લાખ લીધા હતા બાદમાં વ્યાજ સહીત રૂપિયા 3.60 લાખ ચૂકવવા છતાં વ્યાજખોર કિરણભાઇ બોરીચાએ રાહુલભાઈ પાસેથી વેગનઆર કાર પડાવી લઈ ઇન્ડુસન બેન્કના સહી વાળા ચેક બળજબરીથી પડાવી લઈ આજ દિન સુધી વ્યાજની પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા મોરબી સીટી એ ડીવીણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સીટી એ ડિવિઝન પોલીસે રાહુલભાઈની ફરિયાદને આધારે વ્યાજંકવાદી કિરણભાઇ બોરીચા વિરુદ્ધ આઇપીસી કલમ 384 તેમજ ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ અન્વયે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.