પ્રતિ લાખે દૈનિક 7થી 7.5 ટકા સુધી તોતિંગ વ્યાજ : વ્યાજખોરોએ પરિવારને પતાવી દેવાની ધમકી આપી મોરબી : મોરબીમાં વ્યાજખોરો મહિને પાંચથી 54 ટકા સુધી વ્યાજ વસુલતા હોવાના કિસ્સાઓ વચ્ચે વ્યાજખાઉં નરાધમોએ રોજીયું વ્યાજ ચાલુ કરી પ્રતિ લાખ રૂપિયાનું દૈનિક 700થી 750 વ્યાજ વસૂલતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ત્રણ ઈસમો પાસેથી ઉંચા વ્યાજે નાણાં લીધા બાદ નિયમિત વ્યાજ ચૂકવવા છતાં ચા ના વેપારીને અને તેના પરિવારને જાનથી મારી નાખવા ધમકી આપવામાં આવતા ત્રણ ઈસમો વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. મોરબીના શનાળા રોડ ઉપર રુદ્ર પ્રયાગ એપાર્ટમેન્ટમાં રહેતા અને ચા નો વેપાર કરતા મિલનભાઈ જયંતીભાઈ આગોલા ઉ.30 નામના યુવાનને ધંધામાં નાણાકીય જરૂરિયાત ઉભી થતા પોતાના પરિચિત મારફતે ખાનપર ગામના પ્રવીણભાઈ ,દેવશીભાઈ અને ખાખરળા ગામના સુરેશભાઈ પાસેથી લાખો રૂપિયા રોજીયા વ્યાજે એટલે કે પ્રતિ લાખ રૂપિયાએ દૈનિક 700થી 750 રૂપિયા ચુકવવાની શરતે લીધા હતા. જે બાદમાં વ્યાજ પણ નિયમિત ચૂકવ્યું હતું. આમ છતાં તમામ વ્યાજખોરોએ વધુ નાણાં ચૂકવવા પઠાણી ઉઘરાણી કરી ફરિયાદી મિલનભાઈ તેમજ તેમના પરિવારને જાનથી પતાવી દેવાની વ્યાજખોરોએ ધમકી આપતા આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ત્રણેય વ્યાજખાઉં વિરુદ્ધ આઇપીસી કલમ 387, 384, 504, 506 (2),114 તેમજ નાણાં ધીરધાર અધિનિયમ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.