મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ શરૂ થયેલ ઝુંબેશ અંતર્ગત ધડાધડ ફરિયાદો નોંધાઇ રહી છે ત્યારે મોરબીમાં દોઢ લાખના રૂપિયા 5.60 વ્યાજ સહિત ચૂકવી દેવા છતાં વ્યાજખોરે યુવાનને પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ ઉપર રહેતા અને સીરામીક ટ્રેડિંગનો ધંધો કરતા રૂપેશભાઈ હરજીવનભાઈ રાણીપા નામના યુવાને કોયલી ગામના વિશાલભાઈ બચુભાઇ ગોગરા નામના વ્યાજખોર પાસેથી વર્ષ 2020ના અરસામાં અલગ અલગ સમયે રૂપિયા 1.50 લાખ વ્યાજે લીધા હતા. જે બાદ વ્યાજ સહિત કુલ રૂપિયા 5.60 લાખ ચૂકવી દેવા છતાં બળજબરીથી વધુ પૈસા પડાવવા માટે આરોપીએ પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ મામલે પોલીસે આઇપીસી એકટ તેમજ નાણાં ધીરધાર અધિનિયમ અન્વયે ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.