ઓનલાઈન સાડી મંગાવ્યા બાદ વોટ્સએપ લિંક ખોલતા જ બેન્ક ખાતામાંથી નાણાં ઉપડી ગયા મોરબી : આજના સમયમાં ઓનલાઈન છેતરપિંડી કરવા ગાંઠિયાઓની ગેંગ સક્રિય બની છે ત્યારે જરા સરખી પણ બેદરકારી કોઈપણ વ્યક્તિને આર્થિક નુકશાન કરાવી શકે છે, આવા જ એક કિસ્સામાં ઓનલાઈન સાડીનો ઓર્ડર આપનાર મહિલાને એક ગફલત ભારે પડી છે અને વોટ્સએપ ઉપર આવેલી લિંક ઉપર ક્લિક કરતા જ એક સાડી રૂપિયા 56,625માં પડતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શકત શનાળા ગામે નિતીનનગરમા રહેતા તૃપ્તિબેન સુરેશભાઈ ગોહિલ નામની યુવતીએ ઓનલાઈન સાડી મંગાવી હોય જે પાર્સલ માટે અજાણ્યા આરોપીએ વોટ્સએપમાં લિંક મોકલતા જ આ લિંક ઓપન કરતા યુવતીના એસબીઆઈ બેંકના ખાતામાંથી રૂપિયા 56,625 ઉપડી ગયા હતા. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે યુવતીની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ આઇપીસી કલમ 420 તેમજ આઇટી એકટની કલમ 66 (સી) અને (ડી) મુજબ ગુન્હો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.