વ્યાજખોરો વિરુદ્ધ આકરા પગલાં ભરવા સરકારના ગૃહ વિભાગના આદેશ બાદ ધડાધડ ફરિયાદો મોરબી : મોરબીમાં દવાખાનામા રૂપિયાની જરૂર પડતા રૂપિયા સવા લાખ 6 ટકા ઉંચા વ્યાજે લીધા બાદ વ્યાજના દલદલમાં ફસાયેલા યુવાન પાસેથી વ્યાજખોરોએ 40 ટકાથી લઈ 54 માસિક વ્યાજ વસૂલી પઠાણી ઉઘરાણી કરી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા ચાર વ્યાજખોરો વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા અને લેથકામનો ધંધો કરતા પ્રદીપભાઈ કેશવજીભાઈ પરમાર નામના સતવારા યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે એકાદ વર્ષ પૂર્વે દવાખાનાના કામ સબબ નાણાકીય જરૂરિયાત ઉભી થતા આરોપી દર્શન સતવારા રહે. ગોકુલનગર વાળા પાસેથી રૂપિયા 1.25 લાખ માસિક 7500 રૂપિયા વ્યાજ ચુકવવાની શરતે લીધા હતા જેના બદલામાં તેઓએ તેમની લોડિંગ રીક્ષાની આરસી બુક આપી હતી અને નિયમિત વ્યાજ ચૂકવતા હતા. દરમિયાન ગત સાતમ આઠમના તહેવારમાં પૈસાની જરૂર પડતા તેમને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા શક્તિસિંહ ઝાલા પાસેથી દરરોજ રૂપિયા 180 વ્યાજ એટલે કે માસિક 54 ટકા વ્યાજ ચૂકવવાની શરતે રૂપિયા 10 હજાર લીધા હતા. દરમિયાણા વ્યાજના વિષચક્રમાં ફસાયેલા પ્રદીપભાઈ એક પછી એક વ્યાજખોરની આટીમાં આવતા ગયા અને બાદમાં તેમના જ મિત્ર ભાવેશ સતવારા રહે.ગોકુલનગર વાળા પાસેથી મહીને 16 ટકા વ્યાજે રૂપિયા 50 હજાર લઈ દરમહીને રૂપિયા 8000 વ્યાજ ચૂકવતા હતા તેમજ ક્રિષ્ના ફાયનાન્સ વાળા મયુર આહીર પાસેથી અઠવાડિયે 2000 વ્યાજ ચુકવવાની શરતે રૂ.20 હજાર મેળવ્યા હતા અને જો સમયસર વ્યાજ ન ચૂકવે તો ઉંચી પેનલ્ટી સાથે અત્યાર સુધી વ્યાજ ચૂકવ્યુ હતું. જો કે વ્યાજના વમળમા ફસાયેલ પ્રદીપભાઈ એક બાદ એક વ્યાજખાઉંના ચક્કરમાં આવી જતા સમયસર તોતિંગ વ્યાજ ન ચૂકવી શકતા અત્યાર સુધીમાં મુદ્દલ કરતા વધુ વ્યાજ ખાઈ જનારા વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી શરૂ કરી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપવાનું શરૂ કરી દરરોજ ઘેર આવી સીનસપાટા શરૂ કરતા અંતે ગઈકાલે પ્રદીપભાઈએ આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ તેમજ નાણાં ધીરધારની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.