મોરબીઃ મોરબીના વીરપરની નાલંદા વિદ્યાલય ખાતે નાલંદા વિદ્યાલયના ચેરમેન અને જે.એ. પટેલ મહિલા કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. ગઈકાલે તારીખ 5 જાન્યુઆરી ને ગુરુવારના રોજ વીરપરની નાલંદા વિદ્યાલય ખાતે સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી નાલંદા વિદ્યાલયના ચેરમેન અને જે.એ. પટેલ મહિલા કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ વી.કે. પાંચોટીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પાંચોટીયા પરિવાર તથા નાલંદા પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરાયો હતો. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી બી.એ. ગામીએ સ્વર્ગસ્ત વી.કે. પાંચોટીયાને શબ્દાંજલિ રૂપે શ્રદ્ધાંજલિ આપી હતી. આ તકે પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પાંચોટીયા સર સાથેના કોલેજ જીવનની મિત્રતાના સંસ્મરણોને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રક્તદાન કેમ્પમાં નાલંદા શાળા પરિવારના ટ્રસ્ટીગણ, તેમજ કર્મચારીગણ તથા પાંચોટીયા પરિવારના સભ્યોએ રક્તદાન કર્યું હતું અને પાંચોટીયા સાહેબને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી.