એકપણ ખેલાડી મહત્વની રણજી ટ્રોફી અને દિલીપ ટ્રોફી સુધી પહોંચી શક્તા નથી મોરબી : સીરામીક ઉધોગને કારણે વિશ્વભરમાં જાણીતા મોરબીનું રમત ગમત ક્ષેત્રે ખૂબ જ ઓછું પ્રદાન છે. ખાસ કરીને ક્રિકેટ સહિતની રમતમાં એકપણ ખેલાડી જિલ્લાથી આગળ વધી જ શક્યો નથી. મોરબી જિલ્લામાં રમત ગમત ક્ષેત્રે ઘણી એવી ઉભરતી પ્રતિભા છે. જેમને પ્રોત્સાહન આપવા માટે મેદાન, સાધનો, કોચિંગ સહિતનું યોગ્ય પ્લેટફોર્મ આપવામાં આવે તો આવી ઉભરતી પ્રતિભાઓ રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે નોંધનીય પ્રદાન આપવા સક્ષમ છે. પણ દુઃખની વાત એ છે કે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે મેદાન, સાધનો, કોચિંગ બહુ ઓછું છે. એટલે રમત ગમતનું મોરબીનું પ્રદાન જિલ્લા કક્ષા સુધી જ સીમિત રહી ગયું છે. આજના યુગમાં નાના નાના સેન્ટરોમાંથી પણ ખેલાડીઓ આગળ આવે છે. પણ મોરબી જેવી સીરામીક નગરી હવે મહાનગર બનવા તરફ થઈ જઈ રહ્યું હોય ત્યારે અવડા મોટા જિલ્લાનું રમત ગમતમાં બહુ ઓછું પ્રદાન હોય તે શરમ જનક બાબત છે અને ક્રિકેટ જેવી રમતમાં રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરેની ટુર્નામેન્ટમાં એકપણ ખેલાડી ઝળકયો નથી. મોરબી જિલ્લાના ક્રિકેટ કોચ નિશાત જાની કહે છે કે, થોડા વર્ષો પહેલા મોરબી જિલ્લાની ક્રિકેટ ટીમનું ગઠન થયું હતું અને આ ટીમ જિલ્લા કક્ષાએ કે સૌરાષ્ટ્ર ઝોનની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લે છે. તેઓ પણ ખેલાડીઓ સતત આગળ આવે એ માટે કોચિંગ આપવા માટે પ્રયત્નશીલ છે. પણ ક્રિકેટ માટે મહત્વની રણજી ટ્રોફી અને દિલીપ ટ્રોફીમાં મોરબીનો એકપણ ખેલાડી ચમક્યો નથી. જો કે હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહોંચવા માટે બીજી મહત્વની લીગ ટુર્નામેન્ટ હોય છે. તેમાં પણ એકપણ ખેલાડી આગળ આવ્યો નથી. પહેલા એવું મનાતું કે, આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં રમવા માટે રણજી ટ્રોફી અને દિલીપ ટ્રોફી મહત્વની ગણાતી હતી. પણ હવે એવું નથી. બીજી લીગ મેચમાં પણ મોરબી જિલ્લાના ખેલાડીઓ આગળ વધે તે માટે તેઓ પ્રયાસો કરી રહ્યા છે. પણ અત્યાર સુધીમાં એકપણ ખેલાડી રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ ટુર્નામેન્ટમાં પહોંચી શક્યો નથી. રાજ્ય સરકાર દ્વારા ખેલને પ્રોત્સાહન આપવા દરેક વખતે ખેલ મહાકુંભનું આયોજન થાય છે. આથી મોરબી જિલ્લામાં દરેક વખતે ખેલ મહાકુંભનું આયોજન થાય છે. તેમાં ગ્રામ્ય, તાલુકા સહિત જિલ્લા કક્ષાએ વિવિધ રમત ગમતનું આયોજન થાય છે. પણ ખેલ મહાકુંભનું આયોજન ખાલી કરવા ખાતર જ થાય છે. એમ જિલ્લા કક્ષાએ ખેલાડી આગળ આવ્યો હોય તો કદાચ પ્રદેશ કક્ષા, રાજ્ય કક્ષા સુધી પહોંચે છે એના પછી જ સ્થાનિક તંત્રએ ખેલાડી આગળ વધે તે માટે કોઈ પ્રોહત્સાહન આપવામાં આવતું નથી.જો કે સ્કૂલ કોલેજના અમુક વિધાર્થીઓ રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે પહોંચે છે.પણ એથી આગળનું ભવિષ્ય હોતું જ નથી. એટલે મોરબીના એવા કોઈ ખેલાડી નથી કે જે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટ સ્ટાર, ટેનિસ કે ફૂટબોલ સ્ટાર તરીકે નામના મેળવી શકય હોય. મોરબીમાં ક્રિકેટનું એકમાત્ર મેદાન છે. રાજવીકાળ સમયનું એલઇ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઘણા ખેલાડીઓ નિયમિત પ્રેકટીસ કરે છે. ત્યાં જિલ્લા કક્ષાની કે સૌરાષ્ટ્ર કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ કરતા સરકારી કાર્યક્રમો વધુ યોજાઈ છે. આ ક્રિકેટ ગાઉન્ડનો માત્ર સરકારી કાર્યક્રમો માટે જ ઉપયોગ કરાય છે. આ મેદાનને રાજકોટ જેવું મેદાન બનાવવાની તો વેટ દૂર રહી પણ સરકારી કાર્યક્રમો યોજાયા બાદ મેદાનને ખેદાન-મેદાન કરી નાખવામાં આવે છે. એટલે સરકાર અને તંત્ર જ જાણે ક્રિકેટને પ્રોત્સાહન આપવા માંગતું ન હોય એવી સ્થિતિ છે.