અપાર પુરુષાર્થ અને આર્ષદૃષ્ટિથી સંસ્કારયુક્ત શિક્ષણની જ્યોતિ ફેલાવનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને મહાનુભાવોએ બિરદાવ્યા મોરબી : પ્રમુખ સ્વામી મહારાજનગરમાં શિક્ષણ અને સંસ્કાર દિનની આજે ઉજવણી કરવામાં આવી હતી. જેમાંઅપાર પુરુષાર્થ અને આર્ષદૃષ્ટિથી સંસ્કારયુક્ત શિક્ષણની જ્યોતિ ફેલાવનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને મહાનુભાવોએ બિરદાવ્યા હતા. વ્યક્તિ અને રાષ્ટ્રના ઘડતરમાં શિક્ષણના મહત્ત્વથી પ્રમુખસ્વામી મહારાજ સુપરિચિત હતા. તેમાં પણ સંસ્કાર યુક્ત શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે તેમણે વિરાટ કાર્ય આદર્યું હતું. બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થાની વિશ્વસ્તરે ફેલાયેલી અનેક શિક્ષણસેવાઓ વિદ્યાર્થીઓમાં લક્ષણયુક્ત શિક્ષણનું સિંચન કરે છે. ૧૯૬૫ માં વિદ્યાનગર ખાતે પ્રથમ છાત્રાલયની સ્થાપનારૂપી શિક્ષણપ્રવૃત્તિનું નાનું બીજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં વિશાળ વટવૃક્ષ બની ગયું છે. આજે સંધ્યા કાર્યક્રમમાં ભગવાનના ધૂન અને કીર્તન સાથે સાંજે ૪:૪૫ વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. BAPS ના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ વિષયક અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજના અભૂતપૂર્વ જીવન અને કાર્યને વર્ણવતા કહ્યું,“પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ૪૦ ફૂટ વ્યાસ ધરાવતો માળો રચવામાં આવ્યો છે જે 'વસુધૈવ કુટુમ્બકમની' ભાવનાને ચરિતાર્થ કરે છે અને સાથે સાથે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા આપેલા એકતાના મૂલ્યોને ઉજાગર કરે છે કારણકે આખું વિશ્વ એ એક માળો, એક પરિવાર છે.પ્રમુખસ્વામી મહારાજ વૈશ્વિક ગુરુ હતા અને કોઈ પણ દેશના નાગરિકને તેમનું સાનિધ્ય ગમતું. તેમણે વિશ્વના તમામ લોકોને નાતજાતના ભેદભાવ જોયા વગર એક જ પરિવારના સભ્યની જેમ જોડે રહેવાનું શીખવ્યું.” BAPS ના વિદ્વાન સંત પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ ‘સંસ્કારયુક્ત શિક્ષણનો યજ્ઞ: પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજે કરેલ શિક્ષણસેવાઓ વિષે વક્તવ્ય આપ્યું. તેમણે જણાવ્યું,“પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા કે, ' શિક્ષણ સંસ્કારયુક્ત હોવું જોઈએ, કારણકે લક્ષણયુક્ત શિક્ષણ હશે તે આપણું રક્ષણ કરશે અને લક્ષણ વગરનું શિક્ષણ એ ભક્ષણ કરશે.'પ્રમુખસ્વામી મહારાજે સંસ્કાર અને ચારિત્ર્યયુક્ત સમાજનું નિર્માણ કર્યું છે જે અન્યને પણ તે પથ પર ચાલવાની પ્રેરણા આપે છે. પ્રમુખસ્વામી મહારાજે સમાજને નિર્વ્યસની, પ્રામાણિક, સદાચારયુક્ત જીવન જીવવા માટેની પ્રેરણા આપી છે. ઘરસભા દ્વારા બાળકોમાં સંસ્કારોનું સિંચન સારી રીતે થઈ શકે છે અને પ્રમુખસ્વામી મહારાજે ઘરસભાની અમૂલ્ય ભેટ આપીને સમાજ પર મોટો ઉપકાર કર્યો છે.” ત્યારબાદ ‘સંસ્કારયુક્ત શિક્ષણનું અભિયાન : પ્રમુખસ્વામી મહારાજ ’ વિષયક વિડિયો દર્શાવવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલે જણાવ્યું,“આ મહોત્સવ ફક્ત વિશાળ તો છે જ, પરંતુ નાની નાની વસ્તુઓ ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે અને ૮૦,૦૦૦ સ્વયંસેવકોને તેમના સમર્પણ માટે મારા લાખ લાખ વંદન.પ્રમુખસ્વામી મહારાજનું વ્યક્તિત્વ માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિશ્વના અનેક દેશોના ભક્તોને સ્પર્શ્યું છે. ખોડલધામની શરૂઆત પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ સાથે જ કરવામાં આવી છે અને પ્રથમ શિલાનું પૂજન પ્રમુખસ્વામી મહારાજે મુંબઈ મંદિરમાં કર્યું હતું અને ખોડલધામ પર પ્રમુખસ્વામી મહારાજના ઘણા આશીર્વાદ છે.” SMJV's CKSVIM બિઝનેસ સ્કૂલના ફાઉન્ડર ડિરેક્ટર ડો. રાજેશ ખજૂરીયાએ જણાવ્યું,“પ્રમુખસ્વામી મહારાજ સાથે મારી પ્રથમ મુલાકાત ૧૯૬૬ માં થઈ હતી અને તેમણે મારા મસ્તક પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને એ આશીર્વાદ સાથે મે મારા જીવનમાં પ્રગતિ કરી છે. ૧૧૦૦ થી વધારે મંદિરોનું નિર્માણ કર્યું છે જેમાંથી १२५ થી વધારે મંદિરો માત્ર અમેરિકામાં છે. પ્રમુખસ્વામી મહારાજના ભક્તોમાં કરુણા અને નિઃસ્વાર્થ પ્રેમ જોવા મળે છે. પ્રમુખસ્વામી મહારાજે સૌને શ્રદ્ધાના પાઠ શીખવ્યા છે.” બીજેપી રાજસ્થાનના સ્ટેટ જનરલ સેક્રેટરી ચંદ્રશેખરજીએ જણાવ્યું,“પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અને ભારત દેશના આઝાદીના અમૃત મહોત્સવનું દર્શન આ ભવ્ય પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થઈ રહ્યું છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કરીને અનુભૂતિ થઈ છે કે હજારો વર્ષો સુધી થયેલા આક્રમણોના લીધે ખંડિત થયેલી ભારતીય સંસ્કૃતિને પુનર્જીવન આપવાનું કાર્ય આ નગરમાં કરવામાં આવ્યું છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દૃશ્ય, શ્રાવ્ય,અનુભવ અને સાથ ના સુભગ સમન્વય દ્વારા અનેક લોકોના જીવન પરિવર્તન થશે એવું હું દ્રઢપણે માનું છું.” મણિપાલ ગ્લોબલ એજ્યુકેશન (મણિપાલ યુનિવર્સિટી)ના ચેરમેન પદ્મશ્રી ટી. વી. મોહનદાસ પાઇએ જણાવ્યું,“આજે સમાજ અનેક તકલીફોની સામનો કરી રહ્યું છે ત્યારે તેનો ઉકેલ ભારતીય સનાતન સંસ્કૃતિ અને વારસામાં રહેલો છે. ભારત ફરીથી વિશ્વગુરુ તરફ અગ્રેસર થઈ રહ્યું છે તેનો શ્રેય ભારતીય સંસ્કૃતિ અને પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાન સંતોને જાય છે, કારણકે તેઓ સમાજના શાંતિ અને સંવાદિતાનો સંદેશ આપી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ અને આ બી. એ પી.એસ સંસ્થા એ ચારિત્ર્ય યુક્ત સમાજના નિર્માણ કરીને ભારતના ભવિષ્યને ઉજ્જવલ બનાવી રહ્યા છે.” જગન્નાથ મંદિરના ચેરમેન ગજપતિ મહારાજ દિવ્યસિંગ દેવજીએ કહ્યું, “પ્રમુખસ્વામી મહારાજે ભૌતિક શિક્ષાની સાથે સાથે આધ્યાત્મિક શિક્ષા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેનાથી સંસ્કાર અને ચારિત્ર્ય યુક્ત સમાજનું નિર્માણ થઇ રહ્યું છે. પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આદર્શ મનુષ્યની સાથે સાથે આદર્શ નાગરિકનું પણ નિર્માણ કરી રહ્યા છે. ઇસ્લામિક દેશમાં પણ સ્વામિનારાયણ હિન્દુ મંદિર નિર્માણ માટે પરવાનગી મળવી એ આપણાં માટે ગૌરવની વાત છે. ઓરિસ્સામાં વાવાઝોડું આવ્યું હતું ત્યારે પ્રમુખસ્વામી મહારાજે ત્યાં આવીને રાહતકાર્યો કર્યા હતા તેના માટે હું તેમની ઋણી છું.”BAPSના વરિષ્ઠ સંત પૂજ્ય ડૉક્ટર સ્વામીએ જણાવ્યું,“ શિલમ પરમ જ્ઞાનમ' અર્થાત્ ચારિત્ર્ય એ પરમ જ્ઞાન છે....