રૂ. 29 લાખની લૂંટ પ્રકરણમાં બાકીના રૂ.14 લાખ પણ રિકવર કરતી તાલુકા પોલીસ

- text


 

અગાઉ લૂંટના રૂ. 15 લાખ આપી બાકીના ભાગબટાઈ માટે રાખ્યા હોવાનું ખુલતા પોલીસે આરોપીના મકાનમાંથી લૂંટનો બાકીનો મુદામાલ કબ્જે કર્યો

મોરબી : મોરબી તાલુકાના જૂની પીપળી અને નવી પીપળી રોડ ઉપર ફેક્ટરીએ નોકરી પુરી કરી ઘેર પરત જઈ રહેલા કેશિયરના બાઈક સાથે ફોર વ્હિલ અથડાવી અજાણ્યા ત્રણ શખ્સોએ રૂ.29લાખની લૂંટ ચલાવ્યાની ઘટનામા મોરબી એલસીબી તેમજ તાલુકા પોલીસ સહિતની ટીમોએ લૂંટ કરનાર સાત આરોપીઓને દબોચી લીધા બાદ 10 દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીએ અગાઉ લૂંટના 15 લાખ પોલીસને આપી બાકીના ભાગબટાઈ માટે રાખ્યા હોવાનું ખુલતા પોલીસે આરોપીના મકાનમાંથી લૂંટનો બાકીના રૂ.14 લાખનો મુદામાલ રિકવર કર્યા હતા.

- text

મોરબી નજીક આવેલ કેલેફેકસન ટેકનો પ્રા.લી. ફેકટરીમા કેશિયર તરીકે કામ કરતા નવી પીપળી ગામેં રહેતા ચંદ્રેશભાઇ સવજીભાઇ શીરવી પાસેથી રૂ.29 લાખની ચકચારી લૂંટ કેસમાં પોલીસે આરોપી મયુરસિંહ દિલીપભાઈ ડોડીયા, શક્તિસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહિલ, મહિપાલસિંહ અભેસંગ ગોહેલ, ભગવાન ઉર્ફે ભગો કરસનભાઈ રબારી, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા દિલીપભાઈ લીબોલા, દશરથ ઉર્ફે લાદેન જીલુભાઈ પરમાર અને લૂંટની ટીપ આપનાર અર્જુનગીરી નારદગીરી ગોસાઈને રૂ.2 લાખ રૂપિયાની કાર, રૂ.4 લાખ રૂપિયાની કિંમતની બોલેરો કાર, રૂ.7 લાખની કિંમતની કિયા કાર અને રૂ.15 લાખ રૂપિયા રોકડા તેમજ રૂ.30500ની કિંમતના છ મોબાઈલ આમ કુલ મળીને કુલ રૂ.28,30,500 નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ વાળાએ જણાવ્યું હતું કે, લૂંટની ઘટનાના સાતેય આરોપીઓની વિધિવધ ધરપકડ બાદ કોર્ટે સાતેય આરોપીઓના દસ દિવસના રિમાન્ડ મંજુર કરતા રિમાન્ડ દરમિયાન આકરી પૂછપરછ કરતા આરોપીઓએ લૂંટના બાકીના 14 લાખ ભાગબટાઈ માટે રાખ્યા હોવાનું અને આરોપી શક્તિસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહિલના હળવદના સરા રોડ પર આવેલ રઘુનંદન સોસાયટીમાં ભાડે રાખેલા મકાનમાં સંતાડયા હોવાની કબૂલાત આપતા પોલીસે આ આરોપીને સાથે રાખી તેના મકાનમાંથી લૂંટના બાકીના રૂ.14 લાખ કબ્જે કર્યા હતા. જ્યારે હજુ એક આરોપી મનીષ સોલંકી (રહે. ચોટીલા થાન રોડ રુદ્ર ભૂમિ સોસાયટી વાળા ચોટીલા) ફરાર હોય તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text