મોટાભાગના મકાનોના માલિકો મોરબી રહેતા હોય તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યા, પોલીસે દોડી જઈને તપાસ હાથ ધરી મોરબી : માળીયાના સરવડ ગામે તસ્કરોનો હાહાકાર મચાવ્યો હતો અને તસ્કરોએ એક જ રાતમાં ગામના 9 મકાનોના તાળા તોડી પોલીસને પડકાર ફેંક્યો હતો. મોટાભાગના મકાનોના માલિકો મોરબી રહેતા હોય તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યા હતા. જો કે આ ઘટનાની જાણ થતાં માળીયા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે. માળીયાના સરવડ ગામે તસ્કરોના તરખાટ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર માળીયાના સરવડ ગામે તસ્કરો ગતરાત્રે ત્રાટકયા હતા અને ગામના 9 જેટલા બંધ મકાનના તાળા તોડી ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. જો કે તસ્કરો આ 9 મકાનમાંથી કુલ કેટલા મુદામાલની ચોરી કરી ગયા તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. તસ્કરોએ જે 9 મકાનોને નિશાન બનાવ્યા છે. તે મકાનોના માલિક મોરબી રહે છે અને આ લોકો ક્યારેક પ્રસંગોપાત તેમના ગામે આવે છે. એટલે મકાનો બંધ જ રહેતા હોવાથી કુલ કેટલી ચોરી થઈ તેની વિગતો આ મકાન માંલિક સરવડ ગામે આવ્યા બાદ ખબર પડશે. આ બનાવ અંગે માળીયા પીએસઆઇ સોનારાએ જણાવ્યું હતું કે, સરવડ ગામે ચોરીની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ શરૂ કરી છે. ઠંડી વધતાની સાથે તસ્કરોનું જોર વધ્યું છે. એવું લાગે છે કે, પોલીસને બદલે તસ્કરોએ નાઈટ કોમ્બિગનો દૌર હાથમાં લીધો હોય એમ મોરબી અને માળીયા પંથકમાં ચોરીના બનાવો વધી રહ્યા છે અને હવે તો તસ્કરોની હિંમત એટલી વધી ગઈ છે કે એક જ રાતમાં 9 મકાનને નિશાન બનાવ્યા હોવાથી પોલીસને નાઈટ પેટ્રોલીગના દાવા પોકળ સાબિત થયા છે અને હવે લોકોને પોતાની માલમતાની સલામતી માટે રાત ઉજાગરા કરવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે.