મોરબી: ભારત વિકાસ પરિષદ- સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતની વિવિધ શહેરોની 14 શાખાઓ દ્વારા મોરબીના સરસ્વતી શીશુમંદિર ખાતે 25 ડિસેમ્બર ને રવિવારના રોજ ભારતીય સંસ્કૃતિ,પરંપરાના સંવર્ધન અને જાળવણી તથા આવનાર પેઢીને આપણી પરંપરા-સંસ્કૃતિનું મહત્વ સમજાય તે હેતુથી લગ્ન ગીતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી વિવિધ શાખાઓમાંથી આવેલી બહેનો અને પરિવારની હાજરીમાં લગ્ન ગીત સ્પર્ધાનો ભારતમાતા પૂજન અને દીપ પ્રાગટ્ય સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, અગ્રણી સમાજ સેવિકા મંજુલાબેન દેત્રોજા, ભા. વિ. પ. ના ટ્રસ્ટી ડો. તેજસભાઇ પૂજારા, પ્રાંત અધ્યક્ષ વિરલબેન પારેખ, પ્રાંત સચિવ જાગૃતિબેન ઠક્કર, પ્રાંત ખજાનચી પિયુષભાઈ ઠક્કર, સહિતના અધિકારીઓ તથા અગ્રગણ્ય નાગરિકોએ ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. લગ્નની અલગ અલગ વિધિઓની થીમ પર દરેક શાખા દ્વારા એક ગીત રજૂ કરવામાં આવ્યું હતું. પ્રારંભ ગણેશ સ્થાપન, કંકોત્રી વધાવો, મામેરું, સાંજી, પીઠી, જાન પ્રસ્થાન, જાન આગમન, મંગળફેરા, ફટાણા, વિદાય પ્રસંગ, આમ વિવિધ 16 પ્રકારની વિધિઓના લગ્ન ગીતોની સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધા ખુબજ રસાકસી ભરી રહી હતી. જાણે ખરેખર લગ્ન પ્રસંગ જ હોઈ તેવો અદભુત માહોલ સર્જાયો હતો. દરેક શાખાના બહેનોએ ઉત્સાહ પૂર્વક વિધિ અનુસાર તૈયાર થઈ વિવિધ વિધિઓનો માહોલ ઉભો કર્યો હતો. આ લગ્ન ગીતોત્સવ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મોરબીના ગીત સંગીતના તજજ્ઞ એવા અશ્વિનભાઈ બરાસરા, મયુરીબેન કોટેચા, તુષારભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા અધ્યક્ષ જયેશભાઈ પનારા, સચિવ અશ્વિનભાઈ રાઠોડ, ખજાનચી ચિરાગભાઈ હોથી, મહિલા સંયોજિકા કાજલબેન ત્રિવેદી, ઉપપ્રમુખ હરેશભાઈ બોપલિયા તથા મનુભાઈ કૈલા, સંગઠનમંત્રી દિલિપભાઈ પરમાર, પૂર્વપ્રમુખ રવિન્દ્રભાઈ ત્રિવેદી, મનહરભાઈ કુંડારીયા, ધૃમીલભાઈ આડેસરા, મનોજભાઈ કાવર, હિરેનભાઈ ધોરીયાણી, હિંમતભાઈ મારવણીયા, પરેશભાઈ મિયાત્રા, એન. એન. ભટ્ટ, ડો. ઉત્સવ દવે વગેરેએ જહેમત ઉઠાવી હતી.