બિલ વગર સિરામીક પ્રોડક્ટના વેચાણ મામલે વિટ્રિફાઇડ સિરામીક એકમો સામે કાર્યવાહી મોરબી : બિલ વગર સિરામીક પ્રોડક્ટના વેચાણ અને કબૂતરબાજી મામલે ડાયરેક્ટર જનરલ ગુડ્સ એન્ડ સર્વિસટેક્સ ઇન્ટેલિજન્સની ટિમો દ્વારા મોરબીના પાંચ સિરામીક ઉત્પાદકો અને ચાર ટ્રેડરને ત્યાં દરોડા પાડવામાં આવતા સમગ્ર મોરબીના સિરામીક જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સવારથી મોરબીના પાંચ વિટ્રિફાઇડ સિરામીક એકમો અને ચાર સિરામીક ટ્રેડર્સને ત્યાં ડાયરેક્ટર જનરલ ગુડ્સ એન્ડ સર્વિસટેક્સ ઇન્ટેલિજન્સની રાજકોટ અને અમદાવાદની ટિમ દ્વારા દરોડા શરૂ કરવામાં આવતા સિરામીક ઉદ્યોગ જગતમાં દોડધામ મચી જવા પામી છે. ખાસ કરીને સિરામીક એકમો દ્વારા બિલ વગર માલના વેચાણ સંદર્ભે વોચ રાખ્યા બાદ કેટલીક સીરામીક ફેકટરીઓ અને સીરામીક ટ્રેડર્સ ડીજીજીઆઇ એટલે કે ડાયરેક્ટર જનરલ ગુડ્સ એન્ડ સર્વિસટેક્સ ઇન્ટેલિજન્સના રડારમાં આવી જતા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં ચાલતી ટેક્સ ચોરીને પગલે છેલ્લા થોડા સમયથી સીજીએસટી અને એસજીએસટી વિભાગની મોબાઈલ સ્ક્વોડ પણ મોરબી પંથકમાં હાઇવે ઉપર સતત મોનીટરીંગ કરી ટાઇલ્સ પરિવહન કરતા તર્કની ચકાસણી કરી સઘન માહિતી મેળવી રહી છે તેવા સંજોગોમાં હવે ડાયરેક્ટર જનરલ ગુડ્સ એન્ડ સર્વિસટેક્સ ઇન્ટેલિજન્સ દ્વારા દરોડાનો દૌર શરૂ કરવામાં આવતા સીરામીક એકમો અને ટ્રેડર્સને ત્યાંથી મોટાપાયે બે નંબરી વ્યવહારો બહાર આવેતેમ હોવાનું મનાઈ રહ્યું છે.