જનસેવા માટે સતત ચાર દાયકા સુધી અવિરત વિચરણ કરી વૈશ્વિક આધ્યાત્મિક આંદોલન જગાવનાર પ્રમુખસ્વામી મહારાજના ચરણે ભાવવંદના કરતા મહાનુભાવો મોરબી : પ્રમુખસ્વામી મહારાજનગરમાં આજે વિચરણ- સ્મૃતિ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જનસેવા માટે સતત ચાર દાયકા સુધી અવિરત વિચરણ કરી વૈશ્વિક આધ્યાત્મિક આંદોલન જગાવનાર પ્રમુખસ્વામી મહારાજના ચરણે મહાનુભાવોએ ભાવવંદના કરી હતી. પ્રમુખસ્વામી મહારાજે ૫૧ દેશો, ૧૭,૦૦૦ ગામો, ૨,૫૦,૦૦૦ ઘરોમાં વિક્રમસર્જક વિચરણ કરી ૮ લાખ કરતાં વધુ લોકોને વ્યક્તિગત મળીને માર્ગદર્શન આપ્યું હતું. ૧૯૭૫-૧૯૭૬-૧૯૭૭ ના વર્ષમાં અનુક્રમે ૬૫૪, ૭૨૮, ૬૬૩ ગામોમાં પ્રમુખસ્વામી મહારાજ વિચર્યા હતા આદિવાસીઓના કૂબાથી લઈને અમેરિકા સુધી, રાષ્ટ્રપતિભવનથી લઈને બકિંગહામ પેલેસ સુધી પવિત્ર નૈતિક જીવન અને ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોનો ઉદ્ઘોષ કર્યો હતો. ૧૯૮૩ માં હાર્ટ અટેક અને ૧૯૯૮ માં બાયપાસ સર્જરી પછી પણ લોકસેવા માટે પ્રમુખસ્વામી મહારાજનું વિચરણ સતત ચાલતું રહ્યું હતું. માનવમાત્રમાં નૈતિક મૂલ્યોના સ્થાપન અને જતન માટે સમય, સંજોગો, શારીરિક તકલીફો કે સુવિધાઓને ગણકાર્યા વગર પ્રમુખસ્વામી મહારાજ પરહિતસુખાય સતત વિચરતા રહ્યા. પળેપળનો ઉપયોગ કરીને વિચરણ દ્વારા લાખો ભાવિકોને આશ્વાસન- માર્ગદર્શન- પ્રેરણા આપતાં પ્રમુખસ્વામી મહારાજ સૌના સ્વજન બન્યા હતા. સંધ્યા સભા ‘વિચરણ દિન’ ની વિશિષ્ટ સભાનો આરંભ BAPS ના સંગીતવૃંદ દ્વારા ૪:૪૫ વાગ્યે ધૂન – કીર્તન સાથે થયો હતો. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રનું આલેખન કરનાર BAPS ના પૂ આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રમુખ જ્યોતી ઉદ્યાન ની રચના કરવામાં આવી છે જેનો મુખ્ય આશય પ્રમુખસ્વામી મહારાજને ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનું દર્શન સમગ્ર વિશ્વને થાય તે છે.પ્રમુખસ્વામી મહારાજ શ્રદ્ધા ના સાકાર મૂર્તિ સમાન સંત હતા અને તેમને લાખો હરિભક્તોના ભગવાન પ્રત્યેની શ્રદ્ધાની જ્યોતી પ્રજ્વલિત કરી છે. પ્રમુખસ્વામી મહારાજને ભગવાન અને તેમના ગુરુ પ્રત્યેની પ્રાર્થનામાં અનોખી શ્રદ્ધા હતી અને તેઓ દ્રઢપણે માનતા હતા કે, 'ભગવાન જે કરે છે તે આપણા સારા માટે જ કરે છે.' BAPS ના વરિષ્ઠ સંત અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ચાર દાયકાઓ કરતાં વધુ સમયની અભૂતપૂર્વ વિચરણ યાત્રાના સાક્ષી એવા પૂ. વિવેકસાગર સ્વામીએ ‘સૌનું કલ્યાણ કરતી વિરલ સંત સરિતા’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજના વિક્રમી વિચરણની ગાથાને વર્ણવી હતી. તેમણે જણાવ્યું, “ પ્રમુખસ્વામી મહારાજે કલાકો સુધી વિચરણમાં પત્રલેખન પણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજના જીવનથી લાખોના જીવન બદલાઈ ગયા. પ્રમુખસ્વામી મહારાજે આદિવાસી વિસ્તારોમાં પણ અનેકવિધ મુશ્કેલીઓમાં પુષ્કળ વિચરણ કર્યું છે. આજે ૨,૦૦,૦૦૦ આદિવાસીઓ સત્સંગી છે અને ઘણા તો સંતો પણ થયા છે. પ્રમુખસ્વામી મહારાજના સતત વિચરણમાં તેમણે તેમના પંચવર્તમાનમાં લેશ ઓછપ આવવા દીધી નથી. પ્રમુખસ્વામી મહારાજના વિચરણને પ્રતાપે ૧૬૨ પ્રવૃતિઓ વિકસી, ૧૦૦૦ સાધુ બનાવ્યા, ૧૨૦૦ મંદિરો બનાવ્યા, અનેક ઉત્સવો કર્યા. પ્રમુખસ્વામી મહારાજે દેશ વિદેશમાં હિન્દુ ધર્મની શાશ્વત પ્રતિષ્ઠા કરી. સત્યયમિત્રાનંદગીરીજી કહેતા કે આદિ શંકરાચાર્ય પછી આવું વિચરણ કોઈએ કર્યું હોય તો તે પ્રમુખસ્વામી મહારાજે કર્યું છે. આજે પ્રમુખસ્વામી મહારાજનું કાર્ય મહંતસ્વામી મહારાજ આગળ ધપાવી રહ્યા છે. ” ત્યારબાદ ‘પ્રમુખસ્વામીજીની અવિરત વિચરણ ગંગા’ વિષયક વિડિયો પ્રસ્તુતિ કરવામાં આવી હતી. અનેક મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજના ભવ્ય-દિવ્ય જીવનને અંજલિ આપી હતી. પતંજલિ યોગપીઠના સ્થાપક, યોગાચાર્ય પૂજ્ય યોગઋષિ બાબા રામદેવજીએ જણાવ્યું, “આ શતાબ્દી મહોત્સવ એ સાંસ્કૃતિક ક્રાંતિનો મહોત્સવ છે અને આ ક્ષણ એ જીવનભરની સ્મૃતિ છે. મેં મારી આંખો થી ૩ કુંભના દર્શન કર્યા છે પરંતુ અહી અમદાવાદ માં ૬૦૦ એકર માં નિર્માણ પામેલા સાંસ્કૃતિક મહાકુંભના દર્શન કરી રહ્યો છું.૧૦૦૦ થી વધારે વિવેકી,સંતોષી અને સનાતની સંતોના દર્શન કરીને તેમનામાં મને પ્રમુખસ્વામી મહારાજના દર્શન થાય છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આધુનિક પ્રબંધન નહિ પરંતુ પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય શક્તિ કાર્ય કરી રહી છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મને 'ગુરુમુખી' સંતો અને સ્વયંસેવકોના દર્શન થઈ રહ્યા છે. આ શતાબ્દી મહોત્સવ એ સનાતન ધર્મના ગૌરવરૂપી મહોત્સવ છે. મેં આજથી ૩૦ વર્ષ પહેલાં પ્રમુખસ્વામી મહારાજનાં આશીર્વાદ લીધા હતા ત્યારે મને કોઈ જાણતું નહોતું પરંતુ અત્યારે આખા વિશ્વમાં ભારતીય યોગનો પ્રચાર થઈ રહ્યો છે એવા સમર્થ ગુરુ હતા પ્રમુખસ્વામી મહારાજ. પ્રમુખસ્વામી મહારાજ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના નહિ પરંતુ વૈદિક સનાતન સંસ્કૃતિના ગૌરવ સમાન પુરુષ છે અને તેમની ઉપસ્થિતિ માત્રથી સૌમાં ઊર્જા આવી જતી હતી. જ્યાં આવીને વાણી મૌન થઈ જાય અને નિશબ્દ થઈ જવાય એ જ પ્રમુખસ્વામી મહારાજની દિવ્યતા અને ભવ્યતા છે. પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સંતોના દર્શન કરીએ ત્યારે તેમાં પ્રમુખસ્વામી મહારાજના જ દર્શન થાય છે.” કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું,“આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રવેશ કરતાંની સાથે જ પ્રમુખસ્વામી સ્વામી મહારાજની ભવ્ય મૂર્તિનાં દર્શન કર્યા અને મેં તેમની પ્રેમ અને વાત્સલ્યભરી આંખોનું તેજ અનુભવ્યું. મારું સૌભાગ્ય છે કે લંડન સ્વામિનારાયણ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા વખતે મને ત્યાં હાજર રહેવા મળ્યું હતું અને મારું જીવન ધન્ય બની ગયું. મુંબઈમાં પણ ૧૯૯૫ માં પ્રમુખસ્વામી મહારાજ અમૃત મહોત્સવમાં પણ મને હાજર રહેવા મળ્યું હતું એ મારું સૌભાગ્ય હતું.અબુધાબી માં ભવ્ય હિન્દુ મંદિર ના એલોટમેન્ટ લેટર નું ક્રમાંક ૦૦૧ છે જે સૂચવે છે કે ઇસ્લામિક દેશમાં પ્રથમ વખત હિન્દુ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે એની પાછળ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ રહેલા છે. મારા મતે પ્રબંધન , સ્થાપત્ય કલા , સમર્પણ ભાવ , નિઃસ્વાર્થ સેવા વગેરે શીખવા માટે આ પ્રમુખસ્વામી મહારાજ નગર અને બી.એ.પી.એસ સંસ્થા એ ઉત્તમ સંસ્થાન છે. યુક્રેનમાં ભારતીય...