મોરબી: આજરોજ તારીખ 24 ડિસેમ્બર ને શનિવારના રોજ ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવા નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા તુલસી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તુલસી પૂજનમાં વિદ્યાર્થીઓએ તુલસીના છોડનું પૂજન કર્યું હતું તથા તુલસીની આરતી કરી ઉજવણી કરવામાં આવી હતી. દરેક વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિમાં તુલસી પૂજનનું મહત્વ સમજાવ્યું હતું અને સમાજને ભારતીય સંસ્કુતિ અનુસરવા અને ફેલાવો કરવા સંદેશો આપવામાં આવ્યો હતો. તુલસીના પૂજનના અનેક ફાયદાઓ થાય છે જેવા કે, ખરાબ વિચારો દુર થાય છે, પોઝિટિવ ઊર્જાનો સંચાર થાય છે, સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે છે, અનેક પાપો નષ્ટ થાય છે, ભય અને ક્રોધ દૂર થાય છે, તુલસીનો છોડ ઔષધિ માટે ઉપયોગી છે. આવા અનેક ઉદેશ્યથી વિદ્યાર્થીઓ માટે તુલસી ઉપર એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો.5 થી 9 ના દરેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં તુલસી ઉપર 20 મિનિટમાં 20 માર્કસનો નિબંધ લખવાનો હતો. આ નિબંધ દ્વારા સમાજ સુધી સારો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પ્રોત્સાહનના ભાગ રૂપે દરેક ધોરણ મુજબ વિદ્યાર્થીઓને પ્રથમ પાંચ નંબર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી, પ્રિન્સિપાલ અને સૂપરવાઇઝર દ્વારા વિજેતા થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.