કમુહર્તાને કારણે એસટી બસોમાં મુસાફરોની સંખ્યા ઘટી મોરબી : હાલ કમુરતા ચાલી રહ્યા હોય કમુહર્તામાં એકપણ શુભ પ્રસંગો ન થતા હોય લોકોનું બહારગામ જવાનું ટાળ્યું હોવાથી તેની સીધી અસર એસટીની આવક ઉપર પડી છે. જેમાં મોરબી એસટી ડેપોમાં બહારગામ જનારા લોકોની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે. આથી એસટીની દરરોજની આવકમાં ઘટાડો થયો છે. જેમાં અગાઉની સરખામણીમાં કમુરતાને કારણે એસટીની દૈનિક આવકમાં 40 હજારનું ગાબડું પડ્યું છે. મોરબીમાં કમુહર્તા અગાઉ લગ્નની મૌસમ પુરબહારમાં ખીલી હોય લગ્ન પ્રસંગમાં બહારગામ જવા માટે ભારે ઘસારો થતા મોરબી એસટી ડેપોને સારી એવી આવક થઈ હતી. પણ હવે કમુરતા બેસી જતા દરેક પ્રકારના શુભ કાર્યો ઉપર બ્રેક લાગી જતા બહારગામ જનારા લોકોની સંખ્યા ઘટતા એસટી બસોમાં મુસાફરોની પાંખી હાજરી જોવા મળે છે. મોરબી એસટી ડેપો મેનેજર એ.એન.પઢારિયાએ જણાવ્યું હતું કે, મોરબી એસટી ડેપો દ્વારા 46 બસો દ્વારા 291 રૂટો ચલાવવામાં આવેલ છે અને દાહોદ, કવાટ, તળાજા, વેરાવળ, ભુજ-કચ્છ, ઉદેપુર, અંબાજી, અમદાવાદ સહિતની 16 એક્સપ્રેસ બસો અને લોકલ 30 બસો ચાલે છે. આ બસોમાં અગાઉની સરખામણીમાં આવકમાં ઘટાડો થયો છે. જેમાં તા.1થી 13 સુધીમાં રૂ.54,24, 435ની આવક થઈ હતી. એ રીતે સરેરાશ એક દિવસની આવક રૂ.4,17, 264ની થાય છે. એની સામે તા 14થી 21 ડિસેમ્બર સુધીમાં મોરબી એસટી ડેપોની આવક રૂ.29,86,120ની આવક થઈ હોય આ દિવસોમાં એક દિવસની આવક રૂ.3,73,265ની થાય છે. એટલે આ આવકની તુલના જોતા હવે દરરોજ એસટીની આવકમાં સરેરાશ રૂ.40 હજારનો ઘટાડો થયો છે.